Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

પોરબંદરઃ બોખીરામાં પૂનમબેન સોમૈયાને શંકાશીલ પતિએ કુહાડાના ઘા ઝીંકયા

દલિત મહિલાને ગંભીર ઇજાઃ રાજકોટ સારવાર હેઠળઃ મહિલા માતા સાથે ફોનમાં વાત કરી રહી હતી ત્યારે જ હુમલો થયો

રાજકોટ તા. ૨૩: પોરબંદરના બોખીરામાં રહેતી દલિત મહિલાને પતિએ ચારિત્ર્ય પર ખોટી શંકા કરી વાંસામાં કુહાડાના ત્રણ-ચાર ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ બોખીરામાં રહેતી પૂનમબેન દિનેશ સોમૈયા (ઉ.૩૪)ને ગઇકાલે બપોરે સાડા બારેક વાગ્યે પતિ દિનેશ ભીખાભાઇ સોમૈયાએ કુહાડાથી હુમલો કરી વાંસામાં ઘા ઝીંકી દેતાં તેણી લોહીલુહાણ હાલતમાં તરફડીયા મારવા માંડી હતી. દેકારો થતાં પડોશીઓ ભેગા થઇ ગયા હતાં. બાદમાં કોઇએ એમ્બ્યુલન્સ બોલાવી તેણીને પોરબંદર હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડી હતી.

પૂનમબેનના બાંટવા રહેતાં ભાઇ ઉકાભાઇએ જણાવ્યું હતું કે બહેનના લગ્ન સત્તર વર્ષ પહેલા થયા છે. સંતાનમાં તેને એક સત્તર વર્ષનો અને એક બાર વર્ષનો પુત્ર છે. તેનો પતિ દિનેશ છુટક મજૂરી કરે છે. અગાઉ અમે બહેન-બનેવીને અમારા ગામમાં રહેવા અને કામ કરવા બોલાવ્યા હતાં. પણ થોડા દિવસ પહેલા જ તેઓ પરત બોખીરા ગામે રહેવા જતાં રહ્યા હતાં. ગઇકાલે મારી બહેન મોબાઇલ ફોનમાં મારા બા બેનુબેન સાથે વાત કરી રહી હતી ત્યારે જ તેના પતિએ ઘરના દરવાજા-જાળી બંધ કરી દઇ અચાનક જ કુહાડાથી હુમલો કર્યો હતો અને વાંસામાં ઘા ઝીંકી દીધા હતાં.

એ વખતે તેણીના હાથમાંથી મોબાઇલ પડી ગયો હતો. ફોન ચાલુ હોઇ મારા બાએ દેકારો સાંભળતા મને વાત કરી હતી. મેં ફોન કટ કરી છ-સાત વખત ડાયલ કર્યો હતો. એ પછી ભાણેજ સાગરે ફોન ઉપાડ્યો હતો અને તેના મમ્મીને તેના પપ્પાએ કુહાડા મારી દીધાનું તેમજ ઘણા લોકો ઉભા હોવા છતાં કોઇ દવાખાને લઇ જતું ન હોવાનું કહ્યું હતું. અંતે કોઇએ પોલીસને જાણ કરતાં મારા બહેનને હોસ્પિટલે ખસેડાયા હતાં. વધુ સારવાર માટે રાજકોટ દાખલ કરાયા છે. મારી બહેનના ચારિત્ર્ય પર બનેવી દિનેશને ખોટી શંકા હોઇ તે બાબતે ઝઘડો કરી હુમલો કર્યો હતો. તેમ વધુમાં ઉકાભાઇએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોરબંદર પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(10:45 am IST)