Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

વાહન ખોવાય તો ચિંતા નહી, વાહક ખોવાવવો ન જોઇએ : પૂ. મોરારીબાપુ

મહાભારત સીરીયલના દ્રૌપદીનો અભિનય કરનાર રૂપા ગાંગુલીએ નટરાજ એવોર્ડ સ્‍વીકાર્યો ત્‍યારે તે ખૂબ ભાવુક થઇને આ મંગલ અવસર માટે અહીં આવી શક્‍યાનો આનંદ વ્‍યકત કર્યો : તલગાજરડામાં હનુમંત મહોત્‍સવ અને એવોર્ડ સમારોહ સંપન્‍ન

રાજકોટ તા. ૨૪ : પ્રતિવર્ષ હનુમાન જયંતીના પાવન પર્વના અવસરે યોજાતો હનુમંત મહોત્‍સવ ચાલુ વર્ષે ૪૭ માં મણકા સુધી પહોંચ્‍યો હતો. ચાલુ વર્ષે આ મહોત્‍સવ ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે તારીખ ૨૧ થી પ્રારંભ થઈને તારીખ ૨૩ એપ્રિલના ચૈત્ર સુદ પૂનમના દિવસે પુ. મોરારિબાપુની પાવન સંન્નીધિથી અને તેઓના આશીર્વાદથી સંપન્ન થયો.

આ મહોત્‍સવમાં ૨૧ તારીખના રોજ રાજેન્‍દ્ર પ્રસન્નાનું શાષાીય બાંસુરીવાદન અને પડિત વિજય ઘાટેનું શાષાીય તબલા વાદન પ્રસ્‍તુત થયું. તારીખ ૨૨ ના રોજ સુશ્રી પદ્મા તલવારકરનું શાષાીય ગાયન રજૂ થયું. ૨૩ મીના હનુમાન જયંતીના પવિત્ર અવસરે ચિત્રકૂટ ધામમાં સવારે ૮ થી ૯ સુધી સુંદરકાંડનો પાઠ થયો. ત્‍યારબાદ દેશભરના વિવિધ કલાના સાધકોને બિરદાવતો એવોર્ડ સમારોહ પુ મોરારિબાપુના હસ્‍તે સંપન્ન થયો. જેમાં આજે આ કલા સાધકોને એવોર્ડ અર્પણ કરીને વંદના કરવામાં આવી હતી.

જેમાં હનુમંત એવોર્ડ, વિદુષી પદ્મા તલવલકરને (ગાયન),હનુમંત એવોર્ડ, પંડિત રાજેન્‍દ્ર પ્રસન્નાને (વાદ્ય સંગીત), હનુમંત એવોર્ડ, પદ્મશ્રી નલીની - પદ્મશ્રી કમલીની ને (કથક નૃત્‍ય), હનુમંત એવોર્ડ, પદ્મશ્રી વિજય ઘાટેને (તાલવાદ્ય તબલા), નટરાજ એવોર્ડ, રાજેશભાઈ કુકરવાડિયાને (ભવાઈ), નટરાજ એવોર્ડ, કપિલદેવ શુક્‍લ (ગુજરાતી રંગમંચ, ભવાઈ), નટરાજ એવોર્ડ, રૂપા ગાંગુલીને (હિન્‍દી ટીવી સીરીયલ), અવિનાશ વ્‍યાસ એવોર્ડ, શ્રીમતી આરતી સૌમિલ મુનશીને (સુગમ સંગીત), સમાજસેવા માટે નો સદભાવના પુરસ્‍કાર રામ પુનીયાને, વાચસ્‍પતિ પુરસ્‍કાર, વિજય પંડ્‍યાને (સંસ્‍કૃત ભાષાની સેવા માટે), ભામતી પુરસ્‍કાર, ડો. ઊર્મિ સમીર શાહને (સંસ્‍કૃત), કૈલાશ લલિત કલા એવોર્ડ, પરમાનંદ દલવાડી ને (ફોટોગ્રાફી) આ રીતે કુલ ૧૨ પુરસ્‍કારો અર્પણ કરવામાં આવ્‍યા. જેમાં પ્રસસ્‍તી પત્ર સુત્રમાલા અને રોકડ પુરસ્‍કારો અર્પણ કરવામાં આવ્‍યા.

પુ.મોરારિબાપુએ આ અવસરે જણાવ્‍યું કે, વાહન ખોવાય તો ચિંતા નહી પરંતુ વાહક ન ખોવાવવો જોઇએ. મારા માટે પાંચ દિવસો ખૂબ મહત્‍વના છે. જેમાં શિવરાત્રી, રામ નવમી, હનુમાન જયંતી, જન્‍માષ્ટમી અને ગુરૂપૂર્ણિમાનો સમાવેશ થાય છે. હનુમાનજી મહારાજની સાથે ચાર અંક વધુ જોડાયેલો છે. જેમાં આપણે ચાર પુરૂષાર્થ ધર્મ, અર્થ,કામ, મોક્ષને ગણી શકીએ. ચાર કર્મો ને પણ તેમાં સમાવિષ્ટ કરી શકીએ. હનુમાનજી મહારાજ એ સ્‍વયં શંકરના રૂદ્ર અવતાર છે. તેથી તેનું સતયુગ,ત્રેતા યુગ, દ્વાપરયુગ અને કલયુગમાં પણ અલગ અલગ રીતે મહત્‍વ છે. કલયુગમાં હનુમાનજીની હાજરી કથામાં હોય છે. હનુમાનજી મહારાજ સકલ કલા ગુણધામ છે. તેથી અમોને આ બધાં જ કલા સાધકોની સાધનાને વંદન કરવાનો અવસર આજના દિવસે પ્રાપ્ત થાય છે એ આપણા માટે સૌ માટે આનંદની વાત હોય છ. આપ સૌ માટે પુનઃ તે વાતનો રાજીપો વ્‍યક્‍ત કરૂં છું.

કાર્યક્રમમાં મહાભારત સીરીયલમા દ્રૌપદીના પાત્રમા કામ કરી ચૂકેલા રૂપા ગાંગુલીજી ઉપસ્‍થિત હતા અને તેમણે જયારે નટરાજ એવોર્ડ સ્‍વીકાર્યો ત્‍યારે તે ખૂબ ભાવુક થઈને આ મંગલ અવસર માટે અહીં આવી શક્‍યાનો આનંદ વ્‍યક્‍ત કર્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ, ગાયક શ્રી હરિંદ્રભાઇ જોશી એ કર્યું હતું.વ્‍યવસ્‍થા અને આયોજનમાં જયદેવભાઈ માંકડે સંભાળ્‍યું હતુ.દેશ-વિદેશના કલા સાધકો,સાહિત્‍ય રસિકો અને કથા પ્રેમીઓ ઘણી મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત હતાં.

(5:18 pm IST)