Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

જુનાગઢનાં ગાયક મોહિત પંડયા-પરિવાર દ્વારા માનવ સેવાઃ જરૂરત મંદોને ૧૦૦૦ કિટનું વિતરણ

દાતાઓનાં સહયોગથી ઘરે-ઘરે જઇને કિટનું વિતરણ

જુનાગઢ તા. ર૪: લોકડાઉનની વિષમ સ્થિતિમાં જુનાગઢનાં યુવા ગાયક અને ઐન્કર મોહિત પંડયા અને તેમના પરિવાર દ્વારા માનવ સેવાનો યજ્ઞ શરૂ કરવામાં આવેલ છે અને આજ સુધીમાં પંડયા પરિવારે જરૂરતમંદોને ૧૦૦૦ જેટલી કિટનું વિતરણ કરીને ગરીબોની આંતરડી ઠારી છે.

કોરોના મહામારીનાં સામના માટે તા. ૩ મે સુધી સમગ્ર દેશ લોકડાઉન છે જેને લઇને ધંધા-રોજગાર અને રોજેરોજનું કમાયને ગુજરાન ચલાવતા પરિવારો મુશ્ેલીમાં મુકાય ગયા છે પરંતુ આવા લોકોની વ્હારે સરકાર ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ અને યુવાનો વગેરે આવ્યા છે.

ત્યારે જુનાગઢનાં ગાયક કલાકાર અને એન્કર મોહિત પંડયા અને તેમનાં પરિવારે દાતાઓનાં સહયોગથી લોકડાઉનનાં પ્રથમ દિવસથી માનવ સેવા શરૂ કરી છે.

સીંગર શ્રી મોહિત પંડયાએ એક વાતચીતમાં જણાવેલ કે, લોકડાઉનનાં પ્રારંભિક દિવસોમાં જુનાગઢમાં બંદોબસ્ત માટે તૈનાત અને ધોમધખતા તાપની પરવા કર્યા વગર ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓને મોહિત પંડયા દ્વારા મીનરલ વોટર તેમજ ચા-કોફી પીવડાવવાની સેવા શરૂ કરવામાં આવેલ.

પરંતુ પોલીસ કર્મી.ઓ સહિતનાં જવાનો માટે ચા-પાણી સહિતની વ્યવસ્થા જાતમેળે ગોઠવવાની સુચના થતાં શ્રી મોહિત પંડયાએ તેમનાં નિવાસસ્થાને દાતાઓનાં સહયોગથી રાશનની કીટ બનાવી તેનું જરૂરતમંદો લોકોને વિતરણ કરવાનું શરૂ કરેલ.

એક હાથમાં ફ્રેકચર હોવા છતાં ગરીબોને ઘરે-ઘરે જઇને રાશનની કીટ પહોંચાડતા મોહિત પંડયાએ જણાવેલ કે, લોકડાઉનને લઇ તેમના ગીત-સંગીતનાં કાર્યક્રમો બંધ છે આવા સમયનાં સદઉપયોગની સાથે દાતાઓનાં સહયોગથી પોતાનાં ઘરે પાંચ કિલો ઘઉં, દોઢ કિલો ચણાનો લોટ ઉપરાંત ચા-ખાંડ, હળદર, લાલ મરચુ, નમક બટેટા-ડુંગળીની કિટ બનાવીને તેનું જરૂરતમંદોને વિતરણ કરવામાં આવી રહ્યું છે.

લોકડાઉનને ૩૦ દિવસ વીતી ગયા છે આજ સુધીમાં મોહિત પંડયાએ ૧૦૦૦ જેટલી કિટનું વિતરણ કરીને ગરીબોનાં આશીર્વાદ મેળવ્યા છે.

આ સેવાયજ્ઞમાં આર્થિક સહયોગ આપવા ઇચ્છતા દાતાઓએ મો.નં. ૯૮૯૮૩ ૯પ૭૭પ ઉપર સંપર્ક કરવા શ્રી પંડયાએ અનુરોધ કર્યો છે.

(1:05 pm IST)