Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

જૂનાગઢમાં આયુર્વેદ અને હોમિયોપેથી દવાખાનામાં ઉકાળા- દવાનું વિનામૂલ્યે વિતરણ

દોઢ લાખ લોકોએ ઉકાળાનો અને ૭૩ હજાર લોકોએ હોમિયોપેથી દવાનો લાભ લીધોઃ ડો.વાળા- ડો.જારસાણીયા

રાજકોટઃ હાલની કોવિડ – ૧૯ વાઇરસની પરિસ્થિતિમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત દ્વારા અને નિયામકશ્રી, આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં જિલ્લા આયુર્વેદ અધિકારી જૂનાગઢ ની દેખરેખ હેઠળ તમામ સરકારી આયુર્વેદ અને હોમીયોપેથી દવાખાના ખાતે નિયમિત રૂપે વાયરસ સામે રોગપ્રતિકારક શકિત વધારવા માટે ઉકાળા અને દવા વિતરણનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવેલ છે.

જે અંતર્ગત આજ દિન સુધી ૧,૪૨,૩૦૨ જેટલા લોકોએ અમૃતપેય રોગપ્રતિકારક શકિત વધારનાર ઉકાળાનો લાભ લીધેલ છે અને ૭૩૯૪૬ લોકોએ હોમીયોપેથીક દવાનો લાભ લીધેલ છે. આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા આયુર્વેદ અધિકારી જૂનાગઢ ડો. મહેશ વાળા અને સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય જૂનાગઢના આચાર્ય ડો. અલ્પેશ જારસાણીયા એ જણાવેલ હતું કે આ ઉકાળા અને દવા વિતરણ જૂનાગઢ આયુર્વેદ કોલેજ ખાતે અને જિલ્લાના તમામ ૨૫ દવાખાનાઓમાં નિયમિત રૂપે હજુ પણ ચાલુ જ છે, અને તમામ નાગરિકો ની સાથે સાથે જૂનાગઢ શહેર અને જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકા મથકો પર ફરજ બજાવતા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, ફોરેસ્ટ વિભાગ તથા નાગરિકોની સુરક્ષા માટે કાર્યરત અધિકારી અને કર્મચારી નાઅને તેમના પરિવારને પણ આ રોગપ્રતિકારક શકિત વધારનાર ઉકાળા અને દવાઓનો લાભ મળે તે માટે આયોજન કરવામાં આવેલ છે.

આ ઉપરાંત કલેકટર ઓફીસ, જિલ્લા પંચાયત ઓફીસ, મહાનગરપાલિકા ઓફીસમાં કામ કરતાં તમામ અધિકારી અને કર્મચારીઓને રોજેરોજ ઉકાળો પીવડાવવામાં આવેલ છે તથા તેમના પરિવાર પણ આ ઉકાળાનું નિયમિત સેવન કરી શકે તે માટે ઉકાળા પેકેટનું વિતરણ કરવામાં આવેલ છે.

તાજેતરમાં ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા હાલની મહામારી થી બચવા માટે વિશેષ રોગપ્રતિકારક શકિત વર્ધક દવા માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવેલ છે, તથા પ્રધાનમંત્રીશ્રી દ્વારા પણ આ ગાઇડલાઇન નો ઉપયોગ કરવા ખાસ અનુરોધ કરાયો.

વધુ માહિતી માટે જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી જૂનાગઢ (૦૨૮૫-૨૬૩૨૨૪૩) અથવા સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય જૂનાગઢનો સંપર્ક કરવા કે નજીકના સરકારી આયુર્વેદ કે હોમીયોપેથી દવાખાનાનો સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે.

(11:35 am IST)