Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

કેશોદઃ સૌ પ્રથમ વખત ઢોલ, શરણાઇ, લગ્ન ગીતની સુરાવલી વગરનું થયું વૈશાખનું આગમનઃ લગ્ન માટે યોગ છે પણ સંયોગ નથી...!

લોકડાઉનથી સતત દોડતો માણસ તો થંભી ગયો પરંતુ સમયચક્રની અવિરત દોટ વચ્ચે ચૈત્ર ભુતકાળમાં સરી પડતા વૈશાખનો થયો જન્મ...!! : વણ જોયું મુર્હુત ગણાતા અખાત્રીજ સહિતના વૈશાખી મંગલમય દિવસોનો પ્રારંભ છતાં લગ્ન પ્રસંગોને લાગ્યું કોરોના વાઇરસનું ગ્રહણઃ લોકડાઉનના કારણે લગ્ન ઉપરાંત સગાઇ સહિતના પ્રસંગો અટકી પડયાઃ લગ્નના મુર્હુત હોવા છતાં કમુર્હુતા જેવો માહોલ મળશે જોવા

 કેશોદ તા. ર૪ :.. પ્રવર્તમાન લોકડાઉનના કારણે ધંધા અને રૂપિયા પાછળ સતત દોડતો માણસ તો એકોએક થંભી જવા પામેલ છે. પરંતુ સતત કાર્યરત સમય ચક્રની અવિરત દોટ વચ્ચે ચૈત્ર માસ ભુતકાળમાં સરી પડતાની સાથે જ વૈશાખનો જન્મ થયો...!!  આજ (શુક્રવાર) થી વૈશાખ માસનો શુભારંભ થયો છે., પરંતુ આ અંગે સૌથી ધ્યાન ખેંચનાર બાબત એ જોવા મળેલ છે કે, આટલા વર્ષોમાં કદાચ સૌ પ્રથમ વખત (સંપુર્ણ મુર્હુત હોવા છતાં પણ) ઢોલ, શરણાઇ, લગ્ન ગીતની સુમધુર સુરાવલી વગર વૈશાખ માસનું આગમન જોવા મળેલ છે.

સમગ્ર રાજય અને દેશમાં ફેલાઇ રહેલ કોરોના વાઇરસ સામે આરક્ષણ મેળવવાના પગલાના ભાગરૂપે  લાદવામાં આવેલ લોકડાઉનનો સમય જાણે કે રેતીની માફક સરકી રહ્યો હોઇ તેમ સ્થિતિ એ પાંચમાં સપ્તહમાં પ્રવેશ કરેલ છે. લગભગ છેલ્લા એક માસ કરતાં પણ વધુ સમયથી અમલી બનેલ લોકડાઉનનું બંધન ધંધા-રોજગાર ઉપરાંત લગ્ન જેવા મહત્વના પ્રસંગો માટે પણ બાધારૂપ બનેલ છે.

સામાન્ય રીતે વૈશાખ માસમાં ઉનાળુ સિઝન મધ્યાહને હોઇ છે. શાળા-કોલેજમાં વાર્ષિક પરીક્ષા પુર્ણ થતાં ઉદભવેલ લાંબા વેકેશનના માહોલ વચ્ચે ભારે તાપ, ગરમી, પાણીની અછત જેવી વરવી કુદરતી સ્થિતિ જેવા સંજોગોને નજર કરીને પણ લોકો લગ્ન જેવા પ્રસંગો વૈશાખ માસમાં કરતા હોય છે.

વૈશાખ માસની શરૂઆતનો ત્રિજો દિવસ એટલે અખાત્રીજ કે જેમને અક્ષર તૃતીય તરીકે પણ ઓળખવમાં આવે છે. લગ્ન સહિત તમામ પ્રસંગો મટે અખાત્રીજના મંગલમય દિવસને વણજોયુ મુર્હુત ગણવામાં આવે છે. અને સામાન્ય રીતે  અખાત્રીજના દિવસે વિશાળ સંખ્યામાં લગ્નનંુ થતુ હોઇ ને અખાત્રીજ ઉપરાંત વૈશાખ માસના મંગલમય દિવસોમાં અનેક લગ્ન અને સગાઇ જેવા પ્રસંગો માટે મુર્હુત હોવા છતાં હાલ આ પ્રકારના પ્રસંગો યોજવા માટે સાનુકુળ સંજોગો ન હોઇ લગ્ન જેવા પ્રસંગોને હાલ તુર્ત કોરોના વાઇરસનું ગ્રહાન લાગતા પ્રવર્તમાન સંજોગોમાં ઢોલ, શરણાઇ તેમજ લગ્ન ગીતોન સુરો સાંભળવા નહીં મળે.

સામાન્ય રીતે જે પરિવારમાં લગ્ન પ્રસંગ હોઇ તે પરિવારના સદસ્યો દ્વારા લગ્નના લગભગ બે થી ત્રણ માસ પહેલાથી જ પુર્વ તૈયારીના ભાગરૂપે જરૂરી ખરીદીઓમાં લાગી જતાં હોઇ છે. લગ્ન સબંધીત કેટલાય પરિવારો વૈશાખ માસની રાહમાં ભારે ઉત્સાહી જણાઇ રહેલ હતાં. આ સ્થિતી વચ્ચે કોરોના નામના રાક્ષસે દેખા દિધા બાદ સમગ્ર રાજય અને દેશમાં ભયાનક રીતે વાઇરસે પોતાની માયાજાળ ફેલાવાનું શરૂ કરતાં આવી પડેલ લોકડાઉન જેવી સ્થિતિ વચ્ચે લગ્ન પ્રસંગના સમારંભોના આયોજનોને હાલ તુર્ત ના છૂટકે પડતા મુકવાની (મૌકુફ રાખવાની) ફરજ પડેલ છે.

સંપૂર્ણ રીતે લગ્ન માટેનો ખાસ મહીનો ગણાતો વૈશા માસ ચાલુ વર્ષે લગભગ સંપૂર્ણ પર્ણે લગ્ન વિહોણો જશે. લોકડાઉન જેવી વરવી સ્થિતીના કારણે પ્રસંગો માટેના આયોજનો શકય ન હોઇ લગ્ન ઉપરાંત સગાઇ સહિતના પ્રસંગો અટકી પડેલ છે. આમ લગ્ન સહિતના પ્રસંગો માટે ચાલુ માસમાં યોગ હોવા છતાં પણ નસીબ જોગો સંયોગ જણાતો નથી...! પરિણામે લગ્નના  મુર્હુત સાનુકુળ હોવા છતાં પણ સમગ્ર વૈશાખ માસ દરમિયાન કમુર્હુતા જેવો માહોલ જોવા મળશે.

(11:39 am IST)