Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

સૌરાષ્ટ્રનાં યાર્ડોમાં ઘઉં-ધાણાની સિઝન જામીઃ ર૦ હજાર ગુણીની આવક

જેતપુર, ગોંડલ, કોડીનાર, રાજકોટ, સુત્રાપાડા, જુનાગઢ સહિતના વિસ્તારોમાં લોકડાઉનના નિયમ સાથે ખરીદ-વેચાણ

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં માર્કેટીંગ યાર્ડોમાં ઘઉં અને ધાણાની સિઝન જામી છે. અને ર૦ હજાર જેટલા ઘઉંની ગુણીની આવક થઇ છે.

ર૦મી એપ્રિલ પછી સરકારે માર્કેટ યાર્ડોમાં અનાજની હરાજી શરૂ કરાવી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જસદણ, કોડીનાર, સાણંદ, જુનાગઢ, વિસાવદર, અમરેલી, સાવરકુંડલા વગેરે યાર્ડોમાં આજે આશરે ર૦ હજાર ગુણી ઘઉંની આવક થઇ હતી. યાર્ડોમાં સોશિયલ ડિસ્ટન્સને ધ્યાને રાખીને શરૂ કરાયેલી હરરાજીમાં હાલ ઘઉં ઉપરાંત કઠોળની હરરાજી ચાલુ કરાઇ છે. યાર્ડના ચેરમેન-સેક્રેટરીએ જણસીના નકકી કરેલી તારીખ અને સમય મુજબ ખેડૂતો, વેપારીઓને બોલાવાઇ રહ્યા છે.

વાંકાનેર

વાંકાનેર : કોરોના સંક્રમણથી બચાવના પગલારૂપે લોકડાઉન લાગુ હોય ત્યારે ખેડૂતોના પાકનું વેચાણ થાય અને લોકોને અનાજ મળી રહે તેવા હેતુથી આજરોજ તા. ર૩-૪-ર૦ર૦ ના રોજ મોરબી જીલ્લામાં સૌપ્રથમ વાંકાનેર માર્કેટ યાર્ડ શરૂ કરવામાં આવ્યું.ડો. એ. કે. પીરઝાદા માર્કેટ યાર્ડ એ. પી. એમ. સી. વાંકાનેર ખાતે ટેલીફોનીક રજીસ્ટ્રેશન પ્રકીયાથી ખેડૂતોની જણસીની નોંધણી કરવામાં આવી છે. સૌ પ્રથમ ઘઉં ઉત્પાદક ખેડૂતોને લીમીટેડ સંખ્યામાં ફોન દ્વારા સુચના આપી માર્કેટ યાર્ડ ખાતે બોલાવવામાં આવેલ અને તેમના ઘઉંની જાહેર હરરાજી કરવામાં આવી. જેમાં પ્રતિમણ રૂ. ૪૧૪ જેવા ઉચા ભાવમાં સારી ગુણવતા ઘઉં વેચાયા. સારો ભાવ મળતા  ખેડૂતો સંતુષ્ટ થયા. આજે પ્રથમ દિવસે આશરે ૧પ૦૦ મણ ઘઉંનું જાહેર હરરાજીથી વેચાણ થયું.

સોશીયલ ડીસ્ટન્સીંગ જળવાઇ રહે તેવી સુંદર વ્યવસ્થા યાર્ડ ખાતે ગોઠવવામાં આવી, ખેડૂતો તથા વેપારીઓ માટે સેનીટાઇઝર અને માસ્કની વ્યવસ્થા યાર્ડ દ્વારા કરવામાં આવી.

સોશીયલી ડીસ્ટન્સીંગ અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તેમજ સમગ્ર વેચાણ પ્રક્રિયાના મોનીટરીંગ માટે જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ મોરબી, વાંકાનેર સીટી પી. આઇ. તથા પોલીસ સ્ટાફ, જીલ્લા રજીસ્ટ્રાર કચેરી ઓ. એસ., નાયબ મામલતદાર વાંકાનેર, વિસ્તરણ અધિકારી અને ચંદ્રપુર ગ્રામ પંચાયતના તલાટી સહિતના સરકારી અધિકારીઓ હાજર રહ્યાં.

સોશીયલ ડીસ્ટન્સસીંગ સાથે વાંકાનેર માર્કેટ યાર્ડ કાર્યરત રહે તે માટે યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદા, વા. ચેરમેન અશ્વિન મેઘાણી, માજી ચેરમેન રસુલભાઇ કડીવાર, ડીરેકટરો અલીભાઇ બાદી, અમીયલભાઇ કડીવાર અને સેક્રેટરી અબ્દુલભાઇ ચૌધરી તથા યાર્ડ સ્ટાફ સતત જહેમત ઉઠાવી રહ્યા છે.

આગળની સુચના સુધી સાવચેતીના પગલારૂપે ફકત નોંધણી કરાવેલા ખેડૂતોને જ ટેલીફોનીક સુચનાથી બોલાવામાં આવશે. શનીવાર સુધી માત્ર ઘઉંની હરરાજી કરવામાં આવશે. ત્યારબાદ તબકકાવાર બીજી જણસીઓની હરરાજી શરૂ કરવામાં આવશે.

જેતપુર

જેતપુર-નવાગઢ-જેતલસર : મહામારી કોરોનાના લાંબા સમયના લોકડાઉન માં આજથી સરકારશ્રીની સુચના મુજબ જેતપુર માર્કેટ યાર્ડમાં ચેરમેનશ્રી દિનેશભાઇ ભુવા, વા.ચેરમેનશ્રી, હરેશભાઇ ગઢીયા, સેકેટરીશ્રી બી.બી.સરવૈયા તથા જીલ્લા રજીસ્ટ્રાર કમીટીના પ્રતીનીધી નીસીતભાઇ વસોયાની ઉપસ્તીથીમાં અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ ૬૭ ખેડુતોને આજ રોજ જેતપુર માર્કેટ યાર્ડ ખાતે ટેલીફોનીક સુચનાથી ખેડુતોને પોતાની જણસી ઘઉંના વેચાણ અર્થે બોલાવેલ ચેરમેનશ્રી દિનેશભાઇ ભુવાએ છેલ્લા બે દિવસથી લોકડાઉનના કડક નિયમોના પાલન જળવાઇ રહે તે રીતે તમામે તમામ

ગેઇટથી ખેડુતોના વાહનો ખેડુતો, વેપારીઓ ને લઇને હરરાજીની પ્રક્રીયા દરમીયાન દરેક જગ્યાએ ચુસ્ત પણે જળવાઇ રહે તે રીતે આયોજન કરેલ રજીસ્ટ્રેશન કરાવેલ ખેડુતોમાંથી ૧૭ ખેડુતો પોતાના ઘઉંના પાલ ભરી સવારે ૭ થી ૧૦ સુધીના સમયગાળા દરમ્યાન યાર્ડ પર આવેલ યાર્ડના મેઇન ગેઇટ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યાર્ડના કર્મચારીઓએ પ્રત્યેક ખેડૂતો, વાહન ડ્રાઇવરો, વેપારી મીત્રો, કર્મચારીઓ તેમજ મજુરભાઇઓને થર્મલ ગનથી ચકાસણી કરી ત્યારબાદ સેનેટાઇઝેશન દ્વારા જ યાર્ડમાં સોસીયલ ડિસ્ટન્સની માહીતી સાથે પ્રવેશ આપેલ. યાર્ડના મુખ્ય ગેઇટ પર ફુવારા પદ્ઘતીથી સતત સેનીટાઇઝેશન ચાલુ રાખેલ.

યાર્ડના જનરલ કમીશન એજન્ટોમાં ફકત એક જ પાસ ધારકને પ્રવેશ આપી અને પોતાની દુકાને જ રહેવા સુચનાઓ આપેલ. હરરાજી સમયે જે તે કમીશન એજન્ટભાઇઓની પેઢીમાં ખેડૂતો પોતાની જણસી લઇને આવેલ અને તેમનો હરરાજીમાં વારો આવે ત્યારે કમીશન એજન્ટોને બાલાવી તેમજ ખરીદનાર વેપારીભાઇઓને જ હરરાજી સ્થળ પર પ્રવેશ આપેલ.આજ રોજ અંદાજીત ૨૫૦૦ મણ ઘઉનું હરરાજી દ્વારા વેચાણ થયેલ છે પ્રતીમણ ૩૨૦ થી ૩૬૦ સુધીના ભાવ થયેલ હતા. ખેડૂતોને પોતાની જણસીના વજન માટે યાર્ડના વે-બ્રીજ પર વજન કરાવી તુરત જ રવાના કરેલ. સરકારશ્રીના આદેશ અનુસાર માર્કેટ યાર્ડની સમગ્ર કાર્ય પદ્ઘતિ લોકડાઉનના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરી પૂર્ણ કરેલ છે.

(11:33 am IST)