Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

હળવદમાં ૩ મે સુધી સ્વૈચ્છીક કરફયુઃ ૬૭ લોકો હોમ કોરોન્ટાઇન

કોરોનાને પ્રસરતો અટકાવવા માટે મહત્વનો નિર્ણયઃ વિવિધ એસોસીએશનની બેઠકમાં પ્રેરણાદાયી નિર્ણય

હળવદ તા. ર૪ : તાલુકાભરમાં પોલીસ દ્વારા બીજા તબકકાના લોકડાઉનનો કડકપણે અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોરોનાને હરાવવા માટે હળવદ શહેર સજ્જ બન્યું છે.

કોરોનાને હરાવવાની લડાઇ માટે હળવદ શહેર સ્વૈચ્છિક રીતે કરફયુ પાળે તે અંગેનો મહત્વનો નિર્ણય લેવા ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયા, મામલતદાર વિ.કે. સોલંકી, ચીફ ઓફીસર સાગર રાડીયા, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અજયભાઇ રાવલ, શહેર ભાજપ મહામંત્રી અશોક પ્રજાપતિ ન.પા.ઉપપ્રમુખ જયેશભાઇ પટેલ અને વિવિધ એશોસીએશન એક તાકીદની બેઠક યોજાઇ હતી.

જેમાં દુધ અને મેડીકલ સ્ટોર રોજ ફકત બેજ કલાક ખુલશે આમ આગામી ર૬મી તારીખથી ૩ મે સુધી હળવદ શહેર સ્વૈચ્છિક રીતે કરફયુ પાળશે તેવુ નકકી કરવામાં આવ્યું છે.

હળવદ તાલુકાના હેલ્થ ઓફીસર ડો. ભાવિન ભટ્ટીએ માહીતી આપતા જણાવ્યું હતું કે હાલના સમયમાં તાલુકાભરનું આરોગ્ય તંત્ર ખડે પગે છે. છેલ્લા ૧૪ દિવસના સમયગાળામાં બહારના જીલ્લામાંથી ૬૭ લોકો હળવદ તાલુકામાં આવ્યા છે. જેમાંથી પ૭ વ્યકિત ગ્રામ્ય વિસ્તારમાં આવી છે અને છ વ્યકિત શહેરના છે આમાંથી ઘણાખરા મુળ હળવદના રહેવાસી છે અને અમુક કોઇ કામ સબબ આવ્યા હોય તેવુ જાણવા મળેલ છે.

જામનગર, વડોદરા, જુનાગઢ, અમદાવાદ સહીતના જીલ્લામાંથી મુળ હળવદના નિવાસી હોય એવા લોકો બાનમાં પાછા ફર્યા છે. આ બાબતે ધ્યાને આવતા તરત જ તકેદારીના પગલા લીધા હતા આરોગ્ય વિભાગે ૬૭ લોકોનું સ્ક્રીનીંગ પણ કર્યું હતુ પરંતુ કોઇને પણ શંકાસ્પદ લક્ષણો ન હોવાનું જણાયું છે. છતા પણ તકેદારીના પગલાના ભાગરૂપે આ ૬૭ લોકોને કોરોન્ટાઇન કર્યા છે. જયારે આ બાબતે હળવદના પી.આઇ.સંદીપ ખાંભલાએ જણાવ્યું હતું કે આરોગ્ય તંત્રએ આ લોકોને ૧૪ દિવસના હોય કવોરેન્ટાઇનની સુચના આપી છે. આમ છતાં પણ જો આ લોકો ઘરની બહાર નિકળશે તો કાયદેરસની કાર્યવાહી કરવામાં આવશે.

(11:30 am IST)