Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

રાજય સરકાર દ્વારા ખરીદ કરેલ ચણા માટે કોલ્ડસ્ટોરેજની સુવિધા જરૂરીઃ બાવકુભાઇ ઉંઘાડ

રાજયનાં પૂર્વ મંત્રીની વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને રજૂઆત

વડીયા તા. ર૪ :.. રાજયનાં પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય તથા અમરેલી જીલ્લાના ભાજપ અગ્રણી બાવકુભાઇ ઉંઘાડે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને સરકાર દ્વારા ચણાની ખરીદી થઇ રહી છે ત્યારે તેમાં જીવાત ન પડે તે માટે કોલ્ડ સ્ટોરેજની સુવિધા આપવા માગણી કરી છે.

બાવકુભાઇ ઉંઘાડે વધુમાં જણાવ્યું છે કે, રાજયમાં હાલમાં ચણાની ખરીદીનું કામ કરવાનું છે. તો ચણ વધારે મીઠી જાત હોવાથી તેમાં જીવાત પડવાની પુરેપુરી શકયતા હોય છે. તો અત્યારે જે સરકાર દ્વારા ચણાની ખરીદી કરવામાં આવે છે. તેમાં ચણાના સ્ટોરેજ માટે હાલ રાજયના મોટા ભાગના કોલ્ડ સ્ટોરેજ ખાલી છે. કોલ્ડ સ્ટોરેજની અંદર ચણા બે વર્ષ સુધી યથાવત સ્થિતીમાં રહે છે. અને જયારે સરકારને ચણા વેચવા હોય ત્યારે દાળ મીલની કંપનીઓ ચણાની ખરીદીમાં ગોડાઉનના ચણા કરતા કોલ્ડ સ્ટોરેજના ચણાના સો રૂપિયા કિવ્નટલે વધુ આપી ખરીદી કરે છે.

અત્યારે રાજયમાં પપ૦, કોલ્ડ સ્ટોરેજ છે. તેમાંથી ૮૦ ટકા જેટલા ખાલી છે. અત્યારે ગોડાઉન અને કોલ્ડ સ્ટોરેજના ભાડામાં કોઇ ડીફરન્સ હોતો નથી. કોલ્ડ સ્ટોરેજમાં પ૦, કિલો ચણા મુકવામાં આવે તો તેની ડીલેવરી વખતે પ૦, કિલોની જગ્યાએ પ૧, કિલો માલ આવે છે. એટલે કે કોલ્ડ સ્ટોરેજની અંદર જથ્થો પુરો જળવાય રહે છે. ખુબ અગત્યની વાત તો એ છે કે સરકારે ખરીદી કરેલ ચણામાં જીવાતો અને ઉદરો જેવી કોઇ મુશ્કેલી કોલ્ડસ્ટોરેજમાં રહેતી નથી. અને દેશમાં ઉત્પાદીત થયેલ કઠોળમાં જીવાત, ફુગ કે સડી જવાનાં પ્રશ્ન રહેતો નથી. જેથી નેશનલ લોસ થતો નથી. તે ખૂબ અગત્યનું અને સરકારે ખરીદેલ ચણા બજારમાં પણ પુરા ભાવથી વેંચી શકે તે પણ અગત્યનું છે. જેથી સરકારને પણ ખેડૂતોના ટેકાના ભાવે ખરીદેલા ચણામાં નુકશાની ન થાય તે પણ કોલ્ડ સ્ટોરેજના લીધે લાભ થાય તેમ હોય, તો આ બાબતે કોલ્ડસ્ટોરેજ બાબતનો નિર્ણય લેવા અંતમાં બાવકુભાઇ ઉંઘાડે માગણી કરી છે.

(11:29 am IST)