Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

૩૬૭૩ વડીલોના પુત્ર બની પોલીસ ખબર પુછી સંતોષ માનવાને બદલે, તેઓની માંગણી મુજબની વસ્તુઓ તેમના ઘેર પહોંચાડે છે

ભાવનગર રેન્જ વડા અશોકકુમાર યાદવ અને બોટાદના એસપી હર્ષદ મહેતા ટીમ દ્વારા કાબીલેદાદ થતી કામગીરીમાં 'ડોકીયું': ૩ર૦૦૦ કિલો શાકનું વિતરણ, દિવ્યાંગો માટે બંન્ને ટાઇમ ભોજનની વ્યવસ્થાઃ ચણાનો દાણો નાકમાં નાખી દેનાર બાળકની મધરાત્રે સારવાર કરાવી

રાજકોટ, તા., ૨૪: કોરોના વાયરસ  જેવી મહામારી સંદર્ભે પોલીસની જવાબદારી ખુબ જ કપરી બની છે, લાંબો સમય ઘરમાં  રહેવા ટેવાયેલા ન હોય અને બહારની ચા કે માવા વગર 'નાડુ' તુટતી હોય તેવા સંજોગોમાં પોલીસની કડકાઇ લોકોને ભલે આકરી લાગતી હોય પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત લોકોને પોલીસનો માનવતાભર્યો   ચહેરો રાજકોટ હોય કે વડોદરા કે પછી અમદાવાદ કે સુરત આ મહાનગરોના સીમાડા વટાવી બોટાદ જીલ્લા જેવા જીલ્લાઓ સુધી પહોંચી ગયા છે. બોટાદ જીલ્લા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ૩૬૭૩  વડીલોની યાદી તૈયાર કરી તેમને દાદા-દાદીના દોસ્ત એવું નામ આપી બોટાદ જીલ્લાના એસપી હર્ષદ મહેતા દ્વારા તેમના ખબર અંતર પુછી તેઓની જરૂરીયાતની યાદી મેળવી ઘર સુધી પહોંચતી કરવામાં આવે છે. હર્ષદ મહેતા અકિલા સાથેની વાતચીતમાં જણાવે છે કે અમારા આ કાર્યમાં ભાવનગર રેન્જ વડા અશોકકુમાર યાદવ સક્રિય રીતે જોડાયા છે.

હાલના સંજોગોમાં રોજે રોજનું કમાઇને ઘર ચલાવતા હોય કે મધ્યમ વર્ગ હોય સૌની પ્રાથમિકતા શાકભાજીની અને દુધની હોય છે એ વાત અલગ છે કે વડોદરા અને સુરત  પોલીસના ઉચ્ચ અધિકારીઓના મતે શાકવાળાઓની બેદરકારીના કારણે અને લોકોની ઓછી જાગૃતીના કારણે રોગ ફેલાવામાં મહત્વનું પરીબળ બને છે. આ બાબત ધ્યાનમાં રાખી અશોકકુમાર યાદવ તથા એસપી હર્ષદ મહેતા દ્વારા લોકોને સેનીટાઇઝ થયેલા શાકભાજી મળે અને ખાસ કરીને જેઓને શાકભાજી ધોવાની ટેવ નથી તેઓ સુધી વ્યવસ્થિત પેકીંગમાં જાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. અત્યાર સુધીમાં ૩૨૦૦૦ કિલોથી વધુનું વિતરણ કર્યુ છે.

ડીઆઇજી અશોકકુમાર યાદવ અકિલા સાથેની વાતચીતમાં જણાવે છે કે બોટાદના ગઢાળા ગામમાં નાના બાળકે રમતા-રમતા ચણાનો દાણો નાકમાં નાખી દીધો અને હવે સૌ મુંઝાયા આ વાત તેઓ સુધી અને એસપી સુધી પહોંચતા લોકોને મદદરૂપ થવા એસઓજી ટીમને મોકલી અને અડધી રાત્રે ડોકટરે પણ  સારવાર આપી માનવતાનું મોટુ ઉદાહરણ પુરૂ પાડયું.

બોટાદ જીલ્લામાં કેટલાક દિવ્યાંગો લોકડાઉનને કારણે પરીવારના મોભી મજુરીએ જઇ શકતા  ન હોય તેઓએ બોટાદ એસપી હર્ષદ મહેતાને ગામના એક જાગૃત વ્યકિત મારફત મેસેજ મોકલ્યો એ મેસેજ મળ્યાના ગણત્રીના સમયમાં બોટાદ પોલીસ સામાજીક સંસ્થા સાથે આવી રાશનની કીટ પહોંચાડવા સાથે ૮ વ્યકિતઓ માટે બંન્ને ટાઇમના ભોજનની વ્યવસ્થા ગોઠવી આપી.

(10:59 am IST)