Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ઝાલાવાડમાં સુજલામ - સુફલામ જળસંચય અભિયાન દરમિયાન ખેડૂતો માટી લઇ જઇ શકશેઃ વાસણભાઇ આહિર

વઢવાણ - સુરેન્દ્રનગર તા. ૨૪ : સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર રાજયની સાથે તા. ૧ લી મે થી સુજલામ – સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ થનાર છે. આ જળસંચય અભિયાનના સુચારૂ આયોજન અર્થે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડમાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતુ કે, આગામી તા. ૧ લી મે થી સમગ્ર ગુજરાતમાં શરૂ થનાર સુજલામ – સુફલામ જળસંચય  અભિયાનમાં સ્વયંભૂ જોડાય તે જરૂરી છે, તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, આ અભિયાન દરમિયાન તળાવો – ચેકડેમ વગેરે ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાંથી નિકળતી માટી ખેડૂતો તેમના ખેતર માટે લઈ જઈ શકશે. જે ખેડૂતોને પણ ઉપયોગી બનશે. તેમણે ૧લી મે થી જુન માસના અંત સુધીમાં જિલ્લામાં નવા તળાવો બનાવવા, તળાવો ઉંડા કરવા, શહેરી વિસ્તારમાંથી પસાર થતી નદોઓમાં ગાંડા બાવળ, ઝાડ, કચરો સાફ કરવો, નદી- તવાળના કિનારે વૃક્ષારોપણકરવું વગેરે કામગીરી ઝડપથી પૂરી કરવા ઉપસ્થિત વિવિધ વિભાગના અધિકારીઓને તાકિદ કરી હતી.

આ  બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ર્ડા. મનિષકુમાર બંસલ, નિવાસી અધિક કલેકટરશ્રી ચંદ્રકાંત પંડયા, નાયબ વન સંરક્ષકશ્રી પી. પુરૂષોતમાએ જણાવ્યું હતુ કે, જિલ્લામાં તળાવો અને ચેકડેમોની સાથે નદીના વહેંણોની સ્વચ્છતાની કામગીરી પણ હાથ ધરાશે, તેમ જણાવી વધુમાં ઉમેર્યું હતુ કે, આ અભિયાનમાં લોકો જોડાય અને સ્વૈચ્છીક – સેવાભાવી સંસ્થાઓની સાથે જળસંચયના આ કાર્યમાં દાતાઓનો પણ સહયોગ મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

સુજલામ – સુફલામ જળસંચય અભિયાનના નોડલ અધિકારી અને સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર વિજય મહેતાએ સુરેન્દ્રનગર જિલ્લામાં આ અભિયાન અન્વયે તળાવો – ચેકડેમ ઉંડા ઉતારવાના  આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી. આ બેઠકમાં નાયબ કલેકટર એન.એ. રાજપુત સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા.(૨૧.૬)

(9:47 am IST)