Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

પોરબંદરની ડો. ગોઢાણીયા મહિલા કોલેજ પી. જી. સેન્‍ટરના છાત્રાઓનો વિદાય સમારંભ યોજાયો

પોરબંદર તા. ર૪ :.. શ્રી માલદેવજી ઓડેદરા સ્‍મારક ટ્રસ્‍ટ સંચાલિત ડો. બી. આર. ગોઢાણીયા મહિલા કોલેજનો એમ. એ. ઇગ્‍લીશ પી. જી. સેન્‍ટરના છાત્રોનો તાજેતરમાં વિદાય સમારંભ યોજાયો હતો.

આ વિદાય સમારંભમાં બાલ સાહિત્‍યકાર, ગુજરાત પાઠય પુસ્‍તક મંડળના લેખિકા અને પી. જી. સેન્‍ટરના અધ્‍યક્ષ ડો. સુલભાબેન દેવપુર કરે સ્‍વાગત પ્રવચનમાં જણાવ્‍યું હતું કે કોઇપણ વિષયનું તલસ્‍પર્શી જ્ઞાન પ્રાપ્ત કરવાની જીવનમાં આગળ વધ શકાય છે.

આ પ્રસંગે એમ. એ. ઇગ્‍લીશના છાત્રોને શુભેચ્‍છા પાઠવતા ટ્રસ્‍ટના પ્રમુખ, દાતા અને શિક્ષણ પ્રેમી ડો. વિરમભાઇ ગોઢાણીયાએ  જણાવ્‍યું હતું કે, જેટલું મહત્‍વ માતૃભાષાનું છે તેટલું જ મહત્‍વ અંગ્રેજી ભાષાનું છે. વિદાય વેળાએ પણ કહેવાતું છે કે, આધુનિક યુગમાં તમોએ શિક્ષણ મેળવ્‍યું છે પણ જયારે સમાજ વચ્‍ચે તમો જશો એટલે પડકારો પણ આવવાના છે. આ પડકારોને ઝિંલવા ભણતરની સામે ગણતર કામ આવશે.

ગોઢાણયા બી. એડ. કોલેજના ડાયરેકટર અને કેળવણીકાર ડો. એ. આર. ભરડાએ જણાવ્‍યું હતું કે, અભ્‍યાસક્રમ પુરો થાય છે. પછી જીવન શરૂ થાય છે. જીવનને ગુણવતા સભર બનાવવા માટે સંગીત, સાહિત્‍ય કલામાં રસ-રૂચિ કેળવવા અનુરોધ કરીને શુભેચ્‍છા પાઠવી હતી.

પી.જી.ડીપાર્ટમેન્‍ટના ઇગ્‍લીશ બી.એ. સેમેસ્‍ટર અને છ અભ્‍યાસક્રમની માર્ગદર્શિકા તરીકે ડીઝીટલ હેન્‍ડબુક વિમોચન ટ્રસ્‍ટના પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણીયાના હસ્‍તે કરાયુ હતુ. તદ ઉપરાંત પી.જી. સેન્‍ટરના વિઝીટીંગ પ્રોફેસર સુશ્રી કિરણબેન ગોસાઇએ જી-સેટ પરીક્ષા પાસ કરવા બદલ તેમજ પ્રોફેસરકુ. યાશિકાબેન પરમારે અઘરી એવી અંગ્રેજી પીએચડીની એન્‍ટ્રેસ પરીક્ષા પાસ કરવા બદલ બંન્‍નેનું આ સન્‍માન કરાયુ હતુ.

કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની અંજલી લાગધીર અને રિધ્‍ધીએ સંભાળ્‍યુ હતુ. જયારે આભારદર્શન કિરણબેન ગોસાઇએ કર્યુ હતુ. આ કાર્યક્રમમાં ડો.મધુબેન ગલચર, પ્રિ.ડો.કેતન શાહ, કુ. અનુજાબેન પટેલ, કુ. કિરણબેન ગોસાઇ, શ્રી શતિષભાઇ કેશવાલા, નેકના કોઓર્ડીનેટર અને પ્રોફેસર ડો.ઋષિભાઇ પંડયા સહિત પી.જી. સેન્‍ટરના છાત્રો હાજર રહયા હતા.

(1:31 pm IST)