Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

વેરાવળની પોકસો કોર્ટ દ્વારા સગીરા ઉપરના દુષ્‍કર્મના કેસમાં આરોપીને ૧૦ વર્ષની સજા

(દિપક કક્કડ- મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) વેરાવળ-પ્રભાસપાટણતા. ૨૪: વેરાવળની સ્‍પે. (પોકસો) કોર્ટ દ્રારા સગીરા ઉપર દુષ્‍કર્મ કરવા બદલ ૧૦ વર્ષની સખ્‍ત કેદની સજા અને રૂા.બે લાખનો દંડ ફટકારતો હુકમ કરેલ છે.

આ કેસની વિગતો આપતા ગીર સોમનાથના ડિસ્‍ટ્રીકટ પબ્‍લીક પ્રોસીકયુટર કેતનસિંહ ડી. વાળાએ જણાવેલ કે, સુત્રાપાડા તાલુકાના રાખેજ ગામે રહેતા સુરેશ બાબુભાઇ વાઢેળ એ ૧૭ વર્ષ ૯ માસની સગીરા ને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયેલ અને ભોગ બનનાર સગીર હોવાનું જાણવા છતા તેની સાથે અવાર નવાર તેણીની મરજી વિરૂધ્‍ધ બળાત્‍કાર કરેલ હોવાની સુત્રાપાડા પોલીસમાં આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૩૭૬(ર) (એન) તેમજ બાળકોને જાતીય રક્ષાણ આપવાના અધિનિયમ-ર૦૧ર ની કલમ ૪, પ (એલ) મુજબ ગુન્‍હો નોંધી તપાસનીશ અધિકારી વી.આર.રાઠોડ એ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતા સ્‍પે. (પોકસો) કોર્ટના જજ શ્રી કિર્તી જે.દરજી સમક્ષ કેસ ચાલેલ.

આ કેસને સાબીત કરવા માટે ૧૭ જેટલા સાહેદોને તપાસેલ જેમાં ફરીયાદી અને અન્‍ય સાહેદો તેમજ પંચ, ડોકટર અને પોલીસનો સમાવેશ થયેલ અને જુબાનીઓ દરમ્‍યાન દસ્‍તાવેજી પુરાવાઓ રજુ કરી સરકાર એડવોકેટ કે.ડી.વાળા એ દલીલ કરતાં જણાવેલ કે, સમાજમાં દિકરીઓ સલામત રહે તે માટે સરકારે સ્‍પે. પોકસો એકટની જોગવાઈ કરેલી છે અને સગીરાએ જે જુબાની આપેલી છે તે જ માત્ર પુરતી છે તેમ છતાં મેડીકલ એવીડન્‍સ તથા અન્‍ય સાહેદોની જુબાની પણ બનાવને તેમજ ભોગ બનનારની જુબાનીને સમર્થન આપેલ છે અને સગીર વયની દિકરીઓને લાલચ આપી, ફોસલાવી પટાવી અને ભગાડી જઈ તેની ઈચ્‍છા વિરૂધ્‍ધ બળાત્‍કાર કરેલ કૃત્‍યને કોઈ પણ રીતે હળવાશથી લઈ શકાય નહી જેથી સખ્‍ત સજા કરવા જણાવી વડી અદાલતોના ચુકાદાઓ મુજબ ગુન્‍હેગાર સાથે સખ્‍ત હાથે કામ લેવું જોઈએ અને મહત્તમ સજા થવી જોઈએ.

આ રજુઆતોને ધ્‍યાને લઈ સ્‍પે. (પોકસો) કોર્ટના જજ કિર્તી જે.દરજી એ આરોપી સુરેશ બાબુભાઈ વાઢેળ ને બાળકોને જાતીય રક્ષણ આપવાના અધિનિયમ-ર૦૧ર ની કલમ ૪, પ (એલ) મુજબના ગુન્‍હામાં તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખ્‍ત કેદની સજા તેમજ રૂા.પ,૦૦૦ દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા અને સમગ્ર સજા એક સાથે ભોગવવા હુકમ કરેલ છે તેમજ સરકારની યોજના મુજબ ભોગ બનનારને રૂા.ર,૦૦,૦૦૦ સહાયની ચુકવવા હુકમ કરેલ હોવાનું જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ ડી. વાળાએ અખબારી યાદીમાં જણાવેલ છે.

(10:57 am IST)