Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

પોરબંદર જિલ્લાના એન્ટ્રી પોઇન્ટ ઉપર હજારો લોકોની ચકાસણી થઇ

પોરબંદર,તા.૨૪: કોરોના વાઇરસનો ફેલાવો અટકાવવા તકેદારીના પગલા રૂપે પોરબંદર જિલ્લામાં સરકારશ્રીની માર્ગદર્શિકાનું કડક પણે પાલન કરવા તથા લોકહિત ખાતર બહાર પડાયેલા જાહેરનામાઓનું જિલ્લાવાસીઓ ચુસ્ત પણે પાલન કરે તે હેતુથી કલેકટરશ્રીની અધ્યક્ષતામાં પત્રકાર પરીષદ યોજાઇ હતી.

પરીષદમાં કલેકટરશ્રી ડી. એન. મોદી તથા જિલ્લા પોલીસ વડા ડો પાર્થરાજ સિંહ ગોહિલે પત્રકારો મારફત જિલ્લાવાસીઓ માટે કેટલીક સુચનાઓ જાહેર કરી હતી.  કલેકટરશ્રીએ કહ્યુ કે, લોકો અતિ આવશ્યક અને ઇમરજન્સી સિવાય ઘરની બહાર ન નિકળે, જો આપણે સ્વૈચ્છાએ ડિસીપ્લીન રાખીશુ તો મહામારીમાથી બહાર આવીશું, કલેકટરશ્રીએ વધુમાં કહ્યુ કે, જિલ્લામાં ૮ કવોરોનટાઇન સ્થળ ખાતે ફેસીલીટી નક્કી કરાઇ છે. હોમ કવોરોટાઇનમાં ૧૩૫ વ્યકિત ચકાસણી હેઠળ રખાયાં છે. હોમ કવોરોનટાઇનમાં રખાયેલા વ્યકિતઓની ચકાસણી માટે ડોર ટુ ડોર સર્વે કરવા ૭ અધિકારીશ્રીઓની ટીમ કાર્યરત છે. પોરબંદર જિલ્લામાં આવેલા એન્ટ્રી પોઇન્ટ ઉપર અત્યાર સુધી ૧૨,૫૦૦ મુસાફરોની ચકાસણી કરાઇ છે. જિલ્લામા હાલ એકપણ પોઝીટીવ કેસ નોંધાયા નથી, હાલ સુધીમાં શંકાસ્પદ વ્યકિતઓનાં લેવાયેલા ૧૩ સેમ્પલ નેગેટીવ આવેલ છે. તેમજ આઇસોલેશન વોર્ડમાં એકપણ વ્યકિત રખાયેલ નથી.

કલેકટરશ્રીએ કહ્યુ કે, કલમ ૧૪૪નો જિલ્લામાં ચુસ્ત પણે અમલ થાય તે ખાસ જરૂરી છે. બિન જરૂરી રીતે શહેરમાં કોઇ ફરતા જણાશે તો તેની સામે કાર્યવાહી કરાશે. કોઇ વ્યકિત સોશ્યલ મીડિયા મારફત કોરોના વાઇરેસને લગતા ખોટા મેસેજ ફેલાવશે તો તેની સામે કડક પગલા ભરાશે. શાકભાજી, ફળફળાદી, દુધ, દવાની દુકાનો તથા દવાખાના કરીયાણાની દુકાનો ખુલ્લી રહેશે.

જિલ્લા પોલીસવડાશ્રીએ કહ્યુ કે, લોકોએ શકય હોય ત્યા સુધી ઘરમાં જ રહેવું જિલ્લાની સર્વે જનતાને અપીલ કે તેઓ જાહેરનામાનો અમલ કરે, કાયદાનો ભંગ કરનાર સામે પોલીસ તંત્ર કડક પગલા ભરશે મુસાફરોની હેરફેર માટે વપરાતી બસો, ટેક્ષી, મેક્ષી, ઓટો રીક્ષા, સહિતના પેસેન્જર વાહનો પર કોરોના સંક્રમણની સંભાવનાને કારણે તા.૨૫ માર્ચ સુધી જાહેરહિતમાં પ્રતિબંધ ફરમાવાયો છે.

પત્રકાર પરીષદમાં જિલ્લા વિકાસ અધિકારશ્રી વી. કે. અડવાણી, નિવાસી અધિક કલેકટરશ્રી શ્રીરાજેશ એમ. તન્ના સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્ય હતા.

(12:08 pm IST)