Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

કોલગેસ પ્રતિબંધની અસર, મોરબીની સિરામિક ટાઈલ્સમાં ૧૦ થી ૨૦ ટકા સુધી ભાવવધારો: કોલગેસ આધારિત ૪૦૦ થી વધુ ફેકટરીઓ બંધ હાલતમાં

   મોરબી: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા તમામ પ્રકારના કોલગેસના વપરાશ પર પ્રતિબંધ અંગે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદા બાદ સિરામિક ઉદ્યોગની માઠી બેઠી છે અને હાલ ૩૦ થી ૪૦ ટકા ફેક્ટરી બંધ હાલતમાં છે તો બીજી તરફ સિરામિક ટાઈલ્સમાં ભાવવધારો કરવાની પણ ફરજ પડી છે

        મોરબીના સિરામિક એકમો લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહ્યા હોય દરમિયાન એનજીટીએ કોલગેસ પ્રતિબંધનો ચુકાદો આપતા સિરામિક ઉદ્યોગની હાલત ડફોડી બની હતી મંદીનો માર સહન કરતા સિરામિક એકમને હવે સિરામિક ટાઈલ્સના ભાવવધારા કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બાકી રહ્યો જ નથી જેથી ટાઈલ્સના ભાવવધારો કરવા હાલ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે મોરબી વોલ ટાઈલ્સ એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા સાથે વાતચીત કરતા તેઓ જણાવે છે કે વોલ, ફ્લોર અને વિટ્રીફાઈડ ટાઈલ્સમાં ભાવવધારો કરવો અનિવાર્ય બની ગયો છે જેથી હાલ વિવિધ ટાઈલ્સની સાઈઝ પ્રમાણેના એકમો ધરાવતા ઉદ્યોગપતિ સાથે બેઠકો ચાલી રહી છે અને આગામી તા. ૧ એપ્રિલથી ભાવવધારો લાગુ કરશે તે નિશ્ચિત છે વિવિધ ટાઈલ્સના ભાવમાં ૧૦ ટકાથી ૨૦ ટકા સુધીનો ભાવવધારો લાગુ કરવામાં આવશે બેઠકો યોજી જે તે સાઈઝની ટાઈલ્સના ભાવોમાં વધારાનો નિર્ણય લેવાઈ રહ્યો છે

        સિરામિક ઉદ્યોગને ટાઈલ્સના ભાવમાં વધારો કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે અને બજારમાં મંદીનો માહોલ હોવા છતાં ભાવવધારો કરી રહયા છે તો કોલગેસ પ્રતિબંધને પગલે હાલ ૪૦૦ જેટલા એકમો બંધ છે અને તે ગેસ કનેક્શન મેળવે બાદમાં જ પ્રોડક્શન શરુ થઇ શકશે જેથી એકમો સાથે જોડાયેલા શ્રમિકોની રોજગારી પણ છીનવાઈ ગઈ છે અને બંધ એકમો ક્યારે શરુ થાય તે અંગે હાલ કહી શકવું મુશ્કેલ છે

(11:41 am IST)