Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

જૂનાગઢમાં પાકવિમા મુદ્દે હજારો ખેડૂતો દ્વારા આવેદન

સૌરાષ્ટ્ર-ગુજરાતનાં જીલ્લાઓમાં પાકવિમા મુદ્દે ઝુંબેશ શરૂ કરવા ચિમકી

જૂનાગઢ, તા. ૨૪ :. જૂનાગઢમાં આજે ખેડૂતોએ પાકવિમા પ્રશ્ને આંદોલનના મંડાણ કરીને કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું.

જૂનાગઢ જિલ્લામાં માવઠાના મારથી હજારો ખેડૂતોનો પાક નષ્ટ થયો છે. આ નુકશાનીના વળતર માટે ૩૦ હજારથી વધુ ખેડૂતોએ અરજીઓ કર્યા બાદ પાંચ માસ પછી વળતર ન મળતા આજે કિસાન કોંગ્રેસની આગેવાની હેઠળ જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યુ હતું.

ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલાભાઈ આંબલીયા તથા જૂનાગઢના મનીષભાઈ નંદાણીયાએ જણાવેલ કે જૂનાગઢ જિલ્લાના ૩૦ હજારથી વધારે ખેડૂતોએ સમય મર્યાદામાં પાક નુકશાન વળતર માટે અરજીઓ કરી છે. જિલ્લાના ખેડૂતોનો વિમાનો દાવો રૂ. ૧૭૫૫ કરોડ છે.

આ પાક નુકશાન વળતરની માંગને બળવત્તર બનાવવા જિલ્લાભરના ખેડૂતો કલેકટર કચેરીએ એકત્ર થઈ કલેકટરને આવેદન પાઠવશે. ત્યાર બાદ આ ઝુંબેશ સૌરાષ્ટ્ર-ગુજરાતના જિલ્લાઓમાં લઈ જવાશે.

(1:47 pm IST)