Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

પોરબંદરના આર્યકન્‍યા ગુરૂકુળમાં વિદ્યાર્થિનીઓ દ્વારા ગંભીર આક્ષેપો અંગે ચાઇલ્‍ડ વેલફેર કમિટી દ્વારા તપાસ

આર્યકન્‍યા ગુરૂકુળ મહિલા કોલેજના પ્રિન્‍સીપાલ ડો. અનુપમ. નાગરે જણાવેલ કે સંસ્‍થાને બદનામ કરવા કેટલીક વિધ્‍નસંતોષી છાત્રાઓનું કાવતરૂ છે : આર્યકન્‍યા ગુરૂકુળના પ્રિન્‍સીપાલ ડો. રંજનબેન મજીઠિયા કહે છે કે એકાદ માસ પહેલા એક વિદ્યાર્થીનીએ હોસ્‍પટેલમાં એડમીશન લીધા બાદ તેમને ગમતુ ન હોય તેથી અન્‍ય વિદ્યાર્થીનીઓ દ્વારા ખરાબ હરકતોની ખોટી સ્‍ટોરી બનાવી છે : ડો. ચેતનાબેન તિવારી જણાવે છે કે અગાઉ આવુ અનેક વખત બન્‍યુ ત્‍યારે સંસ્‍થાએ આંખ આડાં કાન કરી લીધા હતા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૩: આર્ય કન્‍યા ગુરૂકુળમાં રહીને અભ્‍યાસ કરતી એક વિદ્યાર્થીની એ અન્‍ય વિદ્યાર્થીનીઓ દ્વારા રાત્રીના ખરાબ હરકતો કરાતી હોવાનો આક્ષેપ બાદ હોબાળો મચી જતા આ બાબતે ચાઇલ્‍ડ વેલફેર કમીટીએ તથ્‍ય શોધવા માટે તપાસ શરૂ કરી છે. આર્ય કથા ગુરૂકુળ મહિલા કોલેજના પ્રિન્‍સીપાલ ડો. અનુપમ નાગરે જણાવેલ કે સંસ્‍થાને બદનામ કરવા કેટલીક વિધ્‍નસંતોષી વિદ્યાર્થીનીઓએ કાવતરૂ ઘડયું છે. આર્યકન્‍યા ગુરૂકુળના પ્રિન્‍સીપાલ ડો. રંજનાબેન મજીઠિયાએ કહેલ કે એકાદ માસ પહેલા એક વિદ્યાર્થીનીએ હોસ્‍ટેલમાં એડમીશન લીધા બાદ તેમને હોસ્‍ટેલમાં રહેવુ ગમતુ ન હોય તેથી અન્‍ય વિદ્યાર્થીઓ દ્વારા ખરાબ હરકતોની ખોટી સ્‍ટોરી બનાવીને ખોટા આક્ષેપો કર્યો છે.

આર્ય કન્‍યા ગુરૂકુળના પ્રિન્‍સીપાલ ડો. રંજનાબેન મજીઠીયા, તથા મહિલા કોલેજના પ્રિન્‍સીપાલ ડો. અનુપમ નાગર સહિતની ઉપસ્‍થિતીમાં યોજાયેલી પ્રેસ કોન્‍ફરન્‍સમાં આપેલી માહિતી પ્રમાણે આર્યકન્‍યા ગુરૂકુળમાં રહીને અભ્‍યાસ કરતી એક છાત્રાએ જણાવ્‍યું હતું કે અન્‍ય બે વિદ્યાર્થીઓની દ્વારા તેને હેરાન કરવામાં આવે અને પોતે ઉંઘમાં હોય ત્‍યારે એ બન્ને દ્વારા મારા કપડા કાઢી નાખે છે. એટલું નહીં પરંતુ ગંદા શબ્‍દોમાં ચિઠ્ઠી પણ લખેલી હોવાનું તેણે જણાવ્‍યું હતું.

આર્ય કન્‍યા ગુરૂકુળમાં વિદ્યાર્થીનીઓના આક્ષેપો અંગે ડો. ચેતનાબેન તિવારીએ જણાવેલ કે અગાઉ આવું અનેક વખત બન્‍યું છે પરંતુ તે સમયે સંસ્‍થાએ આંખ આડા કાન કર્યા હતાં.

જયારે સીટી ડીવાયએસપી નિલમ ગોસ્‍વામીએ કહયું કે આર્ય કન્‍યા ગુરૂકુળમાં ગંભીર આક્ષેપો બાદ મહિલા પીએસઆઇને સંસ્‍થામાં મોકલ્‍યા હતા ત્‍યારે વાલીઓએ ફરીયાદ કરવાની ના પાડી દીધી હતી. અને વાલીઓને ચાઇલ્‍ડ વેલફેર કમીટીમાં જવાનું સૂચન તેમજ ખાનગીમાં ફરીયાદ કરવા જણાવ્‍યું હતું.

(1:24 pm IST)