Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

પોરબંદરના રાતડી પાસે બે કાર અથડાયા બાદ સુરતના પરિવારની ઇનોવા કાર સળગીને ખોખુ

દિનેશભાઇ પટેલ, તેના માતા, વેવાઇ પક્ષના લોકો દ્વારકા દર્શન કરી પરત જતા'તા ત્યારે બનાવઃ અકસ્માતને કારણે પાંચને ઇજાઃ બધા કારમાંથી ઉતરી ગયા બાદ અચાનક ભડકો થયોઃ બે મહિલાને રાજકોટ ખસેડાયા

જેની સાથે અકસ્માત સર્જાયો એ કાર અને સળગી રહેલી ઇનોવા કાર તથા ધૂમાડાના ગોટેગોટા જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૪: પોરબંદરથી આશરે વીસેક કિલોમીટર દૂર રાતડી પાસે ગઇકાલે બપોરે સુરતની ઇનોવા કાર સાથે એકસયુવી કાર અથડાતાં ઇનોવામાં બેઠેલા સુરતના પરિવારના સાત સભ્યોમાંથી પાંચ મહિલાને નાની-મોટી ઇજાઓ થઇ હતી. જેમાંથી બે મહિલાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માત થતાં જ બધા ફટાફટ કારમાંથી બહાર નીકળી ગયા બાદ કાર સળગી ઉઠી હતી. સદ્દનસિબે સોૈનો બચાવ થયો હતો.

જાણવા મળ્યા મુજબ મુજબ સુરતના ડીંડોલી ગામે રહેતાં અને દશામાના મંદિરનું સંચાલન કરતાં દિનેશભાઇ ચંદુભાઇ પટેલ (ઉ.૨૯) પોતાની ઇનોવા કારમાં માતા વિનુબેન ચંદુભાઇ પટેલ (ઉ.૪૬), બહેનના સાસુ, સસરા, બીજા કુટુંબીજનો, મિત્રો મળી સાત લોકો દ્વારકા દર્શનાર્થે ગઇકાલે આવ્યા હતાં. બપોર બાદ પરત સુરત જવા રવાના થયા ત્યારે પોરબંદરથી વીસેક કિ.મી. દૂર રાતડી પાસે પહોંચ્યા ત્યારે ઇનોવાની સામે બીજી કાર ધડાકાભેર અથડાતાં પાંચ મહિલાઓ વિનુબેન ચંદુભાઇ પટેલ, મંજુબેન ભુપતભાઇ પટેલ (ઉ.૪૬), સુનિતાબેન મહેન્દ્રભાઇ યાદવ (ઉ.૩૦), મંજુલાબેન પોહારીભાઇ યાદવ (ઉ.૪૨), રોશની ગોકુલભાઇ પાટીલ (ઉ.૧૬) સહિત પાંચને ઇજા થતાં પોરબંદર હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

જેમાંથી વિનુબેન અને મંજુબેનને રાજકોટ ખસેડાયા છે. કાર દિનેશભાઇ ચલાવી રહ્યા હતાં. તેના કહેવા મુજબ સામેથી કાર રોંગ સાઇડમાં ધસી આવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં જ અમે બધા ફટાફટ બહાર નીકળી ગયા હતાં. એ પછી અચાનક અમારી ઇનોવા કાર સળગી ગઇ હતી.

(12:07 pm IST)