Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

જસદણ અને વિછીયા તાલુકાની ૪૧ સીમ શાળાઓને જયોતિગ્રામનો વિજ પુરવઠો મળશે

મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ સમક્ષ વિસ્તૃત વિગતો મૂકી ફીડર ફેરફારો મંજુર કરાવતા પછાત તાલુકાના વરસો જુના પ્રશ્નનો ઉકેલ

 જસદણ તા. ૨૪: જસદણ અને વિછીયા તાલુકામાં આવેલ સીમ વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં હાલમાં સિંગલ ફેઝ કનેકશન આપવામાં આવે છે જેના કારણે તે શાળાઓમા શાળાના સમય દરમ્યાન સતત વિજ પુરવઠો જળવાઈ ન રહેવાથી શાળામાં લાઈટ-પંખા, પીવાના પાણીની મોટર વગેરેનો ઉપયોગ થઈ શકતો નહી કેટલીક શાળાઓમાં શૈક્ષણીક સાધન તરીકે કોમ્પ્યુટર લેબ કે કોમ્પ્યુટરનો ઉપયોગ શાળાના સમય દરમ્યાન થઈ ન શકવાના કારણે વિધાર્થીઓને શિક્ષણ મેળવવામાં અડચણ ઉભી થતી હતી જેના કારણે શાળામાં શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ થઈ શકતું ન હતું જેના કાયમી ઉકેલ માટે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ સમક્ષ વિસ્તૃત વિગતો મુકી હતી. પછાત તાલૂકાના છેવાડાના વિસ્તારમાં આવેલી સીમ શાળાના વીજ જોડાણોને નજીકના જયોતીગ્રામ ફીડર અથવા ૨૪ કલાક ફીડર પરથી વિજ પુરવઠો પુરો પાડવામાં આવે તો તેને વિના વિક્ષપે ગુણવતસભર વિજ પુરવઠો મળી શકે તે અને કોમ્પ્યુટર જેવા ઉપકરણોના ઉપયોગથી શિક્ષણના સ્તરમા સુધારો થવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળુ બનશે.

મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા છેવાડાના વિધાર્થીઓના હીતમાં તાલુકાના ઉઠાવેલા પ્રશ્નને ધ્યાનમાં રાખી ઉર્જા વિભાગે જસદણ તાલુકાની જે જે સીમ પ્રા.શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં, નવાગામ, વડોદ સીમ પ્રા.શાળા ૧ તથા ૨, આંબરડી સીમ પ્રા.શાળા ૧ તથા ૨, બળધોઈ સીમ પ્રા.શાળા ૧ તથા ૨, વેરાવળ, આધીયા, રાણીંગપર, મહાદેવવાડી સીમ, દહીંસરા, કુંદણી, રાજાવડલા, કનેસરા સીમ ૧ તથા ૨, શીવરાજપુર ડોળા સીમ, કાળાસરનો સમાવેશ થાય છે,

જયારે વિછીયા તાલુકાની અમરાપુર સતરંગ સીમ, હાથસણી સીમ ૧ તથા ર, ગુંદાળા(જસ), રેવાણીયા, ફુલઝર,અમજરે, મોટા હડમતીયા, ભડલી સીમ ૧ થી પ, કાંસલોલીયા સીમ ૧ તથા ર, આંકડીયા, સોમ પીપળીયા, બેલડા નવાપરા સીમ, સોમલપર, નાનામાત્રા ત્રિવેણી પ્રા. શાળા, ખકકાણા, સનાળા, છાસીયા સીમ હનુંમાનગઢનો સમાવેશ કરવામાં આવ્યો છે.

(11:59 am IST)