Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

વ્રત એટલે સત્ય-પ્રેમ-કરૂણાઃ પૂ. મોરારીબાપુ

વિરપુરમાં પૂ. જલારામબાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્રને ર૦૦ વર્ષ પુર્ણ થતા આયોજીત 'માનસ સદાવ્રત' શ્રીરામ કથાનો સાતમો દિવસ

રાજકોટ તા. ર૪ :.. પૂ. જલારામબાપા દ્વારા શરૂ કરાયેલા અન્નક્ષેત્રને ર૦૦ વર્ષ પૂર્ણ થતા પૂ. મોરારીબાપુના વ્યાસાસને 'માનસ સદાવ્રત' શ્રીરામ કથાનો પ્રારંભ થયો છે. જેનો આજે સાતમો દિવસ છે.

પૂ.મોરારીબાપુએ શ્રીરામકથા કહ્યુ કે સત્યવ્રત ગાંધી જેવા લોકો પાળે છે. ખડગની ધાર છે. પણ પરમ સત્યને પ્રાપ્ત કરવામાં કયારેક વાચિક સત્ય, વાણીના સત્યને છોડવું પડે તો છોડવું. પતિવ્રત ધર્મ અને એકપત્ની વ્રત ધર્મ કઠિન છે પણ પાળી શકાય છે. રઘુપતિ વ્રત એટલે રામ જેમ જીવે છે એમ જીવવું બ્રહ્મચર્ય વ્રત સંયમથી પાળી શકાય છે. વીરવ્રત એટલે એલફેલ ન બોલાય, વિવેક જાળવવો. ધર્મવ્રત એટલે આપણે આપણા ધર્મ, સહજતામાં રહેવું. દ્રઢ વ્રત એટલે સત્ય, પ્રેમ, કરૂણા વરસાવવી.

મુનિ વ્રતનો અર્થ આપતા જણાવ્યું કે, જાતનાતના રોટલાઓ બને છે. પણ રોટલો એટલે રોટલો. બહુધાએ રોટલો એટલે બાજરાનો જ અને રોટલી એટલે ઘઉંની. રોટલાને ધર્માચરણ ન કરાવો એવોને એવો રહેવા દો.હું રોજ સાંજે ભિક્ષા કરવા જાઉં એટલે રોટલો જ બનાવવા કહું અને તેલ અને મરચું માંગુ અને ફાવે એવી ચા. આ મારી રોજની ભિક્ષાવૃતિ છે. સાધુને ભય ન હોય એટલે અભય વ્રતનું પાલન થાય છે. ગાંધીજીએ સત્યાગ્રહથી સ્વાદત્યાગની વાત કરી પણ અહીં એવું સમજાય છે કે આજે જે સ્વાદ હતો એ કાલે ન પણ હોય, સરખા કોઇપણ સદાવ્રતમાં જાવ કોઇનો ધર્મ કયારેય પૂછાતો નથી. વેદ,પૂરાણા, સાધુ અને સુરની સાક્ષીએ કહ્યું છે કે આ અગિયારે મહાવ્રત સદાવ્રતમાં ચરિતાર્થ થતાં દેખાય છે.

તૈતરિય ઉપનિષદનો મંત્ર અન્નબ્રહ્મોતિ વ્યાજાનાત-ને સમજાવતા બાપુએ જણાવ્યું કે, બંધુ જ અન્નમાંથી જ પ્રગટયું છે. જગત અન્નમાંથી ઉત્પન્ન થયું જગત અન્નમાં જ જીવે છે. અન્નએ જ બ્રહ્મ છે. અનમાં જ વીરમે છે. જેવું અન્ન એવું મન બને એટલે મનોમય કોષ બને છે. મન પરથી પ્રાણમય કોષ બને છે. પેટ ભરેલું હોય છે એથી જ આનંદમય કોષ બને છે અને આનંદમય કોષ પછી વિજ્ઞાનમય કોષ જેને આપણે નાનામાં નાનો કણ અથવા તો 'ગોડ પોર્ટીકલ'તરીકે સંશોધિત કર્યો છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહયું કે, પુછવામાં વિવેક રાખો પણ આવું પણ પ્રમાણ છે. કવિતાવલી રામાયણની ચાર પંકિતઓમાં આ બધુ વર્ણન છે એ સપ્રમાણ બતાવ્યું બાપુએ કહયું કે, તુલસીને સમજવા હોય તો માત્ર રામચરિત માનસ જ નહીં તુલસીનું સમગ્ર સાહિત્ય (બાર ગ્રંથો) નો અભ્યાસ પણ કરો. બાપુએ ઓશોનું દ્રષ્ટાંત આપતા જણાવ્યું  કે, જયારે ગુરૂકૃપા ઉતરે અને લાયકાત કેળવીએ ત્યારે શાસ્ત્રો પણ ઉદાર બને છે. બાપુએ હળવાશથી જણાવ્યું કે, ત્રણ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. મંદિર હોય ત્યાં પુજન કરવું. કથા-સત્સંગ સાધુનું સેવન કરવુ અને ઘરમાં સહન કરવું એટલે બેડો પાર.

આજે રામચરિતમાનસના ૧૬ વ્રતોને સદાવ્રતોમાં ચરિતાર્થ થતા બતાવ્યા. આ સોળ વ્રતો એટલે, સકલ વ્રત, સત્ય વ્રત, પતિ વ્રત, રઘુપતિ વ્રત, બ્રહ્મચર્ય વ્રત, નીજ વ્રત, નીરંબુજ વ્રત, વિષમ વ્રત, એક વ્રત, રૂચિર વ્રત, એકનારી વ્રત, હરિતોષણ વ્રત. બાપુએ રામચરિતમાનસની એક-એક ચોપાઇ લઇ આ સોળ વ્રતધારી શબ્દોનું પ્રમાણ આપ્યું હતું. જયાં સદાવ્રત છે ત્યાં પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ, પરોક્ષ-અપરોક્ષ આ સોળવ્રત છે.

(11:30 am IST)