Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

રઘુવંશી સમાજના આરાધ્ય દેવ શ્રીરામચંદ્રજી ભગવાનનું ભવ્ય મંદિર 'રામધામ'નું સ્વપ્નુ સાકાર થવા તરફ

વાંકાનેરના જાલીડાની સીમમાં 'રામધામ' માટે જમીન પસંદ કરવામાં આવી - મીટીંગનો દોર શરૃઃ જીતુભાઇ સોમાણીની પ્રતિજ્ઞા અને ધ્યેય સિધ્ધ થશે

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૦ :.. અહીંની ભૂમિ ઉપર રઘુવંશી સમાજના આરાધ્ય દેવ શ્રીરામચંદ્રજી ભગવાનના ભવ્ય મંદિર 'રામધામ' બનાવવા માટેની જમીન વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં લેવામાં આવી હોવાની જીતુભાઇ સોમાણીની જાહેરાતથી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં વસતા રઘુવંશી સમાજમાં ખુશીની લાગણી સાથે શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

રઘુવંશી સમાજનું એકતાનું પ્રતિક બને અને એક વિશાળ ધર્મ સ્નાનમાં આરાધ્ય દેવ શ્રીરામચંદ્રના દર્શન સાથે સમસ્ત લોહાણા સમાજની એકતા સાથે ધાર્મિક, સામાજીક, શૈક્ષણીક અને રાજકીય સ્થાનમાં અન્ય સમાજ જેમ આપણું 'રામધામ' પણ નિમિત બને જ્ઞાતિજનોને ઉપયોગી થવાની આ ધર્મ સ્થાનમાંથી આપણને સૌને પ્રેરણા મળે તેવા શુભ આશય સાથે થોડા વર્ષા પહેલા વાંકાનેરની ભૂમિ ઉપર શ્રી લોહાણા સમાજ આયોજીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતના રઘુવંશી અગ્રણીઓ, લોહાણા મહાજનો, યુવક મંડળો, મહિલા - મંડળોનું વિરાય મહાસંમેલન વાંકાનેર લોહાણા સમાજના સર્વે સર્વા અને રઘુવંશી એકતા માટે સમગ્ર ગુજરાતમાં જેમનું આગવુ નામ લેવાય છે એવા શ્રી જીતુભાઇ સોમાણીના નેતૃત્વમાં મળ્યું હતું. આ સંમેલનમાં પધારેલા હજજારો લોકોની હાજરી વચ્ચે મંચસ્ત અગ્રણીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતાં.  અને આ સંમેલન સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બને અને 'રામધામ' નામની વિશાળ ઓળખ માટે  મળ્યું હતું. જાજરમાન સંમેલનમાં જ્ઞાતિ એકતાના દર્શન સાથે ભવ્ય રામધામ મંદીર બને તેમાં શૈક્ષણીક સંકુલ, ગૌશાળા ઉપરાંત શ્રી લોહાણા સમાજની યુવા પેઢીને  ઉચ્ચ્ સ્થાને લઇ જવા માટે આ સ્થાનમાં જરૂરી સંકુલો ઉભા કરવા સહીતના મંતવ્યો પ્રથમ વિશાળ સંમેલનમાં સૌએ રજુ કર્યા હતા.

આ મહા સંમેલનમાં વાંકાનેર લોહાણા સમાજનું ગૌરવ એવા જીતુભાઇ સોમાણીએ પોતાની જ્ઞાતિ પ્રત્યેની લગણી વ્યકત કરી સાથે સૌરાષ્ટ્રની ભુમી ઉપર રામધામ નો બને ત્યાં સુધી પગમાં પગરખા (ચંપલ) નહી પહેરવાની ટેક (બાધા) લીધી હતી. આ વેળાએ મંચસ્ત સૌએ નિવંનંતી કરી રામધામ પ્રોજેકટ બહુ મોટો હોય મંદીર બનતા વાર લાગે માટે મંદીર માટે જમીન ખરીદીનો થાય ત્યાં સુધી ટેક રાખવા ભાર પુર્વક સમજાવતા રામધામ માટેની જમીન સંપાદન સુધી ચપલ પગરખા નહી પહેરવાની જીતુભાઇ સોમાણીની આ બાધા અડંગ નિર્ણય સાથે રહી છે. અને આજે પણ જીતુભાઇ સોમાણી પગરખા પહેરતા નથી.

સદગુરૂ દેવશ્રી હરીચરણદાસજી મહારાજના આશીર્વાદ સાથે રામધામ માટે વિશાળ જગ્યા સાથે સૌરાષ્ટ્ર-કુજરાજ કચ્છના લોહાણા સમાજને રામધામ દર્શન માટે આવવા જવા સરળતા રહે તે માટે મધ્યસ્થ વિસ્તારમાં જમીન ખરીદવાના આગ્રહ સાથે સતત શોધખોળ અને દોડધામ બાદ વાંકાનેરના છેવાડાના જાલીડા ગામની સીમમાં ભગવાનશ્રી રામના ભવ્ય મંદીર રામધામ માટેની જગ્યા પસંદ કરવામાં આવી છે અને હાલ આ જગ્યા ઉપર બે જેસીબી મશીનોથી સફાઇ કામગીરી પણ પુર ઝડપે કરવામાં આવી રહી છે.

જમીન સંપાદન થયાના સમાચારો અને આગામી કાર્યાની ચર્ચા-વિચારણા માટે ગઇકાલે રાત્રે વાંકાનેરમાં શ્રી લોહાણા મહાજન વાડી ખાતે વાંકાનેર, રાજકોટ,મોરબી, પડધરી, ટંકારા, કુવાડવા સહિતના ગામના રઘુવંશી અગ્રણીઓની એક મીટીંગ જીતુભાઇ સોમાણીએ બોલાવી હતી.

જેમાં વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, લાલ રઘુવંશી ગ્રુપ, ચોટીલા વાળા હકુભાઇ કોટેચા, અશોકભાઇ મીરાણી-રાજકોટ, મેહુલભાઇ નથવાણી-રાજકોટ, રાજુભાઇ રાજવીર -વાંકાનેર, ભીખાલાલ પાંઉ-કુવાડવા, પરમાનંદભાઇ ભીંડોરા, કુવાડવા, લલિતભાઇ ચંદારણા, અશ્વીનભાઇ કોટક, જગદીશભાઇ સંતા-મોરબી, નવીનભાઇ પુજારા-ચોટીલા, અશોકભાઇ ભાયાણી-ભાયાવદર, રવિભાઇ માણેક, રચાનાબેન રૂપારેલ, અલ્કાબેન ખગ્રાસ, જાગૃતિબેન ખીમાણી-રાજકોટ, હરેશભાઇ કોટક -ચોટીલા સહિતના ગામેથી અગ્રણીઓ આ રાત્રી મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા. અને મંચસ્થ અગ્રણીઓએ ખુશી વ્યકત કરી પોતાના મંતવ્યો રજુ કર્યા હતા.

રાજકોટના અશોકભાઇ મીરાણીએ રામધામ માટે નક્કી થયેલ સ્થળનું જાતનિરીક્ષણ કર્યાની અને સુંદર જગ્યા હોવાનું વર્ણન કર્યું હતું. જીતુભાઇ સોમાણીએ જમીન બાબતે વિગતવાર સમજણ આપી હતી સાથોસાથ જમીન ના પૈસા ચુકવવા માટેની સમય મર્યાદાથી સૌને વાકેફ કરી સૌ  જ્ઞાતિના શ્રેષ્ઠીઓને તન-મન-ધન થી મદદરૂપ થવા આહવાન કર્યું હતું. તેમજ આગામી દિવસોમાં સદગુરૂદેવશ્રી હરીચરણદાસજી મહારાજના આર્શિવાદ મેળવી 'રામધામ'ની ભૂમિ ઉપર વિશાળ રામ યજ્ઞ કરવા અને તેમા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતભરમાંથી જ્ઞાતિના શ્રેષ્ઠીઓ, મહાજનોને આમંત્રિત કરવાના આયોજનની વિગત જીતુભાઇ સોમાણીએ આપી હતી.

સાથે આ વિશાળ કાર્યમાં સૌ રઘુવંશી સમાજના લોકોએ પોતાના આરાધ્ય દેવનું ભવ્ય મંદિર માટે પોતાની જવાબદારી અનેક ગણી હોવાનું સ્વયંમ માની આપણા જ્ઞાતિના સર્વેને જમીન ખરીદીથી વાકેફ કરવા અને મીટીંગમાં ચર્ચાયેલ મંદિર પ્રોજેકટ અને જ્ઞાતિજનો માટે આપણી આવનારી યુવા પેઢીઓ માટે આપણે જે તૈયારીઓ આ મંદિર સાથે કરવા જઇ રહ્યા છીએ તે બાબતથી પણ સૌને ગામે-ગામ વાકેફ કરવા જણાવેલ. સાથે 'રામધામ' માટે ખરીદ થયેલ જગ્યાએ સૌએ પધારવા અને જગ્યા નિહાળવા પણ અનુરોધ કર્યા હતો.

કાર્યક્રમનું સુંદર સંચાલન વાંકાનેર લોહાણા યુવક મંડળના ઉપપ્રમુખ બટુકભાઇ બુધ્ધદેવે કર્યુ હતું. જયારે ભોજન પ્રસાદ માટે યુવક મંડળના પ્રમુખ ધર્મેશભાઇ ભીંડોરા અને તેમની ટીમ દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવેલ. 

(11:21 am IST)