Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

ઉનાની દેલવાડા ગ્રામ પંચાયતના સરપંચપદે પૂજાબેન બાંભણિયાનો ૧૧૭૭ લીડથી વિજય

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૨૩ :. દેલવાડા ગ્રામ પંચાયતની સરપંચ તથા વોર્ડ ૧૬ના ૧૬ ઉમેદવારોની પેનલને વિજય અપાવતા પુત્રવધુ પૂજાબેન બાંભણીયા ૧૧૭૭ની લીડથી વિજય મેળવેલ છે.

ઉના તાલુકાના ૭૬ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૧૦ ગ્રામ પંચાયત સંપૂર્ણ સમરસ બની હતી અને ૬૬ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દેલવાડા ગ્રામ પંચાયતની ચૂંટણી અનોખી અને રસપ્રદ બની હતી. સરપંચના પદના ઉમેદવાર વર્તમાન સરપંચ વિજયભાઈ બાંભણીયાની ધર્મપત્નિ પૂજાબેન તથા સામે તેમની માતા જીવીબેન લાખાભાઈ બાંભણીયા ચૂંટણી લડી રહ્યા હતાં. સમગ્ર ગીર સોમનાથ જીલ્લાના રાજકીય આગેવાનોની નજર રહી હતી.

મત ગણતરી પૂર્ણ થતા વિજયભાઈ બાંભણીયાની ૧૬ વોર્ડના ૧૬ ઉમેદવારો વિજયી બન્યા હતા અને પૂજાબેન વિજયભાઈ બાંભણીયાએ તેમની સાસુ જીવીબેન કરતા ૧૧૭૭ મતો વધુ મેળવી વિજય મેળવ્યો હતો. ચૂંટણી દરમ્યાન તેમનો વિરોધ કરનાર આગેવાનોના બોલતા મોઢા બંધ કરી દીધા હતા. દેલવાડાના મતદારોએ ગામના વિકાસ માટે પૂજાબેન વિજયભાઈને સરપંચ ચૂંટી કાઢેલ છે. વિજયભાઈ બાંભણીયા તથા પૂજાબેન આ વિજય દેલવાડાના મતદારો અને ગ્રામજનોનો વિજય ગણાવી અર્પણ કરેલ હતો. દેલવાડાને વધુ વિકાસ અને ગ્રામજનોને સગવડતા આપવા કટ્ટીબધ્ધતા બનાવી હતી.

(11:17 am IST)