Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

હળવદમાં ૪૦ લાખની આંગડીયા લૂંટના નાટકમાં અન્ય કોણ સામેલ ? તે દિશામાં તપાસનો ધમધમાટ

(દીપક જાની દ્વારા) હળવદ તા. ૨૩ : શહેરની મધ્યમાં કાલે બપોરે એસબીઆઈ બેન્ક સામે પીએમ આંગળિયા પેઢીના કર્મચારીને તમારી ગાડીમાંથી ઓઇલ ઢોળાતું હોવાનું કહી રૂપિયા ૪૦ લાખની લૂંટ ચલાવવાના બનાવમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. પોતાના ઉપર દેણું વધી જતા આંગળીયા પેઢીના કર્મચારીએ જ લૂંટનું તરકટ રચ્યું હોવાનું સ્પષ્ટ બનતા પોલીસે પણ હાશકારો અનુભવ્યો છે.

હળવદ સહીત મોરબી જિલ્લામાં ચકચાર જગાવનાર ઘટનાની વિગતો જોઈએ તો હળવદ પીએમ આંગળીયા પેઢીમાં કામ કરતા વાંકાનેરના અમરગીરી ગૌસ્વામી નામના કર્મચારી પોતાની કારમાં રૂપિયા ૪૦ લાખની રકમ લઈને નીકળ્યા ત્યારે હળવદ શહેરમાં એસબીઆઈ બેન્ક નજીક અજાણ્યા શખ્સે તમારી કારમાંથી ઓઇલ ઢોળાઈ છે તેવું કહેતા આ કર્મચારી કારની નીચે ઉતરતા ગઠિયો રૂપિયા ૪૦ લાખ ભરેલો થેલો લઈ પલાયન થઇ ગયો હોવાનું અમરગીરી ગૌસ્વામીએ જાહેર કરતા હળવદ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને મોરબી એલસીબી સહિતનો પોલીસ કાફલો તાબડતોબ હળવદ પહોંચી ગયો હતો.

બીજી તરફ લૂંટ તફડંચીના ભેદભરમવાળા આ કેસમાં ફરિયાદી આંગડિયા કર્મચારી જ શંકાના પરિઘમાં આવતા પોલીસે યુકિત-પ્રયુકિતથી ઉલટ તપાસ શરુ કરી હતી પરંતુ વાંકાનેરના અંગળીયા પેઢીના કર્મચારીએ ઓઇલ ઢોળાવાની કેસેટ વગાડવાનું ચાલુ રાખતા પોલીસે ત્રીજું નેત્ર ખોલતા જ આંગળિયા કર્મચારી અમરગીરી ગૌસ્વામી પોપટ બની ગયો હતો અને પોતાના ઉપર દેણું વધી ગયું હોય નાના ચોરાઈ જવાનું તરકટ રચ્યાની કબૂલાત આપતા પોલીસે ફરિયાદીને જ આરોપી બનાવી કાનૂની કાર્યવાહી શરૂ  કરી આ તફડંચીમાં કોણ-કોણ સામેલ છે તે અંગેની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(10:48 am IST)