Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ધોરાજીમાં દૂષિત પાણી વિતરણ સામે લોકોમાં રોષ : ધારાસભ્ય વિરૂધ્ધ બેનર લાગ્યા

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી તા. ૨૩ : ધોરાજી શહેરમાં નગરપાલિકા દ્વારા થતા પાણી વિતરણમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ડહોળા પાણીનું વિતરણ થવાથી લોકોમાં રોષ ફેલાયો છે. પાલિકા દ્વારા વિતરણ થતા પાણીમાં ગટરના ગંદા પાણી ભળી જવાની સમસ્યાથી લોકો ત્રાસી ગયા છે. આજે ધોરાજી શહેરના વોર્ડ નંબર પાંચ જેમાં ચામડીયા કુવા ચોક, વઘસિયા ફળી સહિત વિસ્તારોમાં લોકોના નળમાં અત્યંત દુર્ગંધ મારતું અને કેમિકલ જેવું કાળું પાણી આવતા આ વિસ્તારના લોકોએ પાણીની બોટલો ભરી નગરપાલિકા વિરૂદ્ઘ સૂત્રોચ્ચાર પોકારી મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી હતી. લતાવાસીઓ એ જણાવેલકે અનેક વખત નગરપાલિકામાં લેખિત મૌખિક જાણ કરી છે. પરંતુ પાલિકા તંત્રકોઈ ઉકેલ લાવતું નથી.  બીજી તરફ આ વિસ્તારમાં ધારાસભ્ય લલિતભાઈ વસોયાની ટીકા અને આક્ષેપ કરતા બેનરો લાગ્યા હતા. બેનરમાં લખાયું હતું કે 'લલીત વસોયાને જેતપુર ડાઈંગનુ દૂષિત પાણી દેખાય છે પણ ધોરાજી વિસ્તારમાં આવતુ ડહોળુ પાણી નથી દેખાતુ..?.'

'ધારાસભ્ય લલિત વસોયા એ બે દિવસે પાણી આપવાના વાયદા કરેલા હતા તો અત્યારે જળાશયો છલકાએલા છે છતા નગરપાલિકા દ્વારા ૫ થી ૬ દિવસે પ્રદુષિત પાણીનુ વિતરણ થાય છે.'

ધોરાજીની જનતાનુ આરોગ્ય જોખમમાં હોય ત્યારે જનતા એ જાગવુ જરૂરી છે. આ પ્રકારના બેનર ધોરાજીની બજારોમાં જોવા મળતા ભારે ચર્ચાઓ ઉઠી છે.

(11:46 am IST)