Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

સમાજના ઉત્થાન માટે જૈનો ધર્મસ્થાનકોને તકતી મુકત અને પ્રસંગને સ્ટેજ મુકત કરે તે જરૂરી છેઃ પૂ. પારસમુનિ

સંઘાણી સ્થા.જૈન સંઘ-ગોંડલમાં નુતન જયવિજય પુણ્યસ્મૃતિ મહોત્સવ યોજાયો

ગોડલઃ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.ગુરૂદેવશ્રી જગદીશમુનિ મ.સા.ના શુશિષ્ય સદગુરૂદેવ પૂ.શ્રી પારસમુની મ.સા. તથા સંઘાણી સંપ્રદાયના પૂ.ઉષાબાઇ મ.સ.આદિ સતીવૃંદના સાનિધ્યે શ્રી સંઘાણી સ્થા. જૈન સંઘ-ગોંડલના આંગણે તા.રરના નૂતન જય વિજય પુણ્યસ્મૃતિ મહોત્સવ ઉજવાયો.

મહામંત્ર પ્રભાવક પૂ.શ્રી જગદીશમુની મ.સા.ની ત્રીજી પુણ્યતીથી, પંડીત રત્ના પૂ.શ્રી જયાબાઇ મ.સ.ની ર૦ મી પુણ્યતીથી ચારીત્ર જયેષ્ઠા માં સ્વામી પૂ. શ્રી વિજયાબાઇ મ.સ.ની દ્વિતીય પુણ્યતીથી નિમિતે પંચદિવસીય તપ આરાધનાનું આયોજન કરવામાં આવેલ છે.

પુણ્ય સ્મૃતિના આ પાવન પ્રસંગે પૂ. કિરણબાઇ મ.સ. દ્વારા લેખીત પુસ્તીકાનું મહાનુભાવોના વરદ હસ્તે વિમોચન કરવામાં આવેલ.

 મુકુંદભાઇ પારેખ અને ચીમનભાઇ દેસાઇની ૬૦ વર્ષની સેવાને શ્રી સંઘાણી સંપ્રદાય દ્વારા બિરદાવવામાં આવી અને બંને સુશ્રાવકોને શાસન ગૌરવની ઉપાધીથી નવાજવામાં આવ્યા. ગોંડલ સપદાય વતી પ્રવિણભાઇ કોઠારી આદિએ દાદા ડુંગર ગુરૂ ગાદી સ્મૃતિ ચિહન અર્પણ કરી સન્માનીત કર્યા. આ અવસરે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જુનાગઢ, જેતપુર, પોરબંદર, ધંધુકા, મુંબઇ, અમેરીકા, અમદાવાદ વગેરે સ્થાનોથી શ્રાવકો પધારેલ.

સંઘાણી સંપ્રદાયના પૂ. ઉષાબાઇ, પૂ.જયોત્સનાબાઇ, પૂ.ચંદ્રિકાબાઇ, પૂ. મંજુલાબાઇ, પૂ. ઉર્મિલાબાઇ, પૂ.રાજુલબાઇ,પૂ.રાજેશ્વરીબાઇ, પૂ.વર્ષાબાઇ, પૂ.આરતીબાઇ, પૂ.નંદાબાઇ, પૂ.હીનાબાઇ આદિ સતીવૃંદ તથા ગોંડલ સંપ્રદાયના પૂ.સ્મિતાબાઇ, પૂ.ધર્મિલાબાઇ, પૂ.અવનીબાઇ આદિઠાણા ઉપસ્થિત રહેલ.

ગીતકાર કૌશીકભાઇ મહેતાના મધુર સ્તવનો તથા હરદેવભાઇ આહીરની જોશીલી વાણીમાં 'માં' અને 'માં સ્વામી' વિષે વિશેષ છણાવટ કરી સૌને મંત્રમુગ્ધ કરેલ.

આ પ્રસંગે ગોંડલ સંપ્રદાય પ્રમુખ પ્રવિણભાઇ કોઠારી, સંઘાણી સંપ્રદાય પ્રમુખ અશોકભાઇ કોઠારી, બીનાબેન શેઠ, અજયભાઇ શેઠ, જીતુભાઇ બેનાણી, ચેતનભાઇ સંઘાણી,  હરેશભાઇ વોરા,  મધુભાઇ ખંધાર, લલીતભાઇ દોશી, ભરતભાઇ દોશી, કૌશીક વિરાણી, હિતેષભાઇ મહેતા, શૈલેષભાઇ માઉ, હેમલભાઇ મહેતા આદિ પધારેલ.

પ્રસંગને વિશેષ શોભાયમાન બનાવવા ગોંડલ સ્ટેટના રાજકુમાર શ્રી જયોતિર્મયસિંહજી જાડેજા પધારેલ. તેમણે પોતાના વકતવ્યમાં જણાવેલ કે દાદા ડુંગરસિંહજી સ્વામીથી પરંપરાગત અમારો પરીવાર ગોંડલ સંપ્રદાય સંઘાણી સંપ્રદાય સાથે જોડાયેલ છે અને તે પરંપરા મુનિશ્રી પારસમુનીજી મ.સા.જાળવી છે. સદૈવ રાજ પરીવાર સંઘની સાથે જ છે. પુણ્યાત્માઓને શ્રધ્ધાંજલી અર્પણ કરેલ.

આ અવસરે ગોંડલના સર્વ જૈનોના વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ ઉપરના અભ્યાસ માટે તથા સ્વરોજગાર માટે બીનાબેન અજયભાઇ શેઠ પરીવારે જાહેરાત કર હતી તેમજ ગાયોના ઘાસ માટે દુષ્કાળમાં જીવદયાના મહાન કાર્ય માટેની જાહેરાત પણ તેઓ દ્વારા કરવામાં આવી હતી.

પૂ.ગુરૂદેવ પારસમુની મ.સાહેબે જણાવેલ કે માનવ શબ્દનો  પ્રારંભ જ 'મા' શબ્દથી થાય છે. ગુરૂમાંકોઇ વ્યકિત નહી વ્યકિતત્વ છે. ગુરૂ એક શ્રધ્ધા છે. સમાજના ઉત્થાન માટે દાનના શિલાલેખ (તકતીઓ) મારવાનું બંધ કરવુ અને સ્ટેજ પર બેસવાનું છોડવુ પડશે. સતા અહંમને પોસનારી નહી સોૈમ્યતા લાવનારી બનવી જોઇએ.

પ્રવિણભાઇ કોઠારી અને અશોકભાઇ કોઠારીની સંપ્રદાય અને સંઘ પ્રત્યેની નિષ્ઠા, ભકિત અને સંતોની વૈયાવચ્ચ ભાવના ખુબ અનુમોદનીય છે. રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા. તથા ગુજરાતના પૂ. સુશાંતમુનિ મ.સા.નો ધર્મસંદેશ પ્રાપ્ત થયેલ.

સમગ્ર મહોત્સવને પુ.હિનાબાઇ મ.સ.નો પુરૂષાર્થ અને અશોકભાઇ કોઠારી  આદિ સમગ્ર કમીટીએ પુરૂષાર્થ અને ભકિતથી સફળ બનાવ્યો.  કાર્યક્રમનું સંચાલન પ્રતિક્ષાબેન સંઘાણીએ કરેલ.

(1:07 pm IST)