Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

ઘરે ઘરે નળ મારફત પાણી આપવા સરકારનો મક્કમ નિર્ધારઃ મંત્રી બાવળીયા

થાનગઢ મંત્રીના અધ્યક્ષ સ્થાને પીવાના પાણીની સમીક્ષા યોજાઇસુરેન્દ્રનગર,તા.૨૩: જિલ્લાના ચોટીલા થાનગઢ  અને મૂળી તાલુકાના પીવાના પાણી અંગે  પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠાના અધિકારીશ્રીઓ અને ગામના સરપંચશ્રીઓ સાથે થાનગઢ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પીવાનું પાણી છેવાડાના માનવીને સહેલાઈથી મળી રહે તેવા અભિગમ સાથે રાજય સરકાર કામગીરી કરી રહી છે તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, વડાપ્રધાનશ્રીએ 'નલ સે જલ અભિયાન'ની શરૂઆત કરી હતી. જે અંતર્ગત વર્ષ-૨૦૨૨ સુધીમાં દરેક દ્યરે નળ મારફતે પાણી મળી રહે તે નિર્ધારથી રાજય સરકાર કામગીરી કરી રહી છે.

આ બેઠકમાં મંત્રીશ્રીએ ઉપસ્થિત સરપંચશ્રીઓને આહવાન કર્યું હતું કે, પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગામ સુધી પાણી પહોંચાડયા બાદ તેનું યોગ્ય વિતરણ થાય તે જોવાની જવાબદારી જે તે ગામના સરપંચશ્રીની છે તેમજ પાણી પુરવઠા અને વાસ્મોના અધિકારીશ્રીઓને આ વિસ્તારમાં દરેક ગામમાં પાઇપલાઈન  મારફત નર્મદાનું પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે મંત્રીશ્રીએ તાકીદ કરી હતી

આ કાર્યક્રમ પૂર્વે મંત્રીશ્રીએ ચોટીલા તાલુકાના આણંદપુર ખાતે અંદાજે ૨૯ લાખના ખર્ચે નિર્માણ થનાર રસ્તાનું ખાતમૂર્હત કર્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અંદાજે ૪૦૦ મીટરનો આ રસ્તો બનવાથી આસપાસના ગામના લોકોની સુવિધામાં વધારો થશે.

ઉપરાંત મંત્રીશ્રીએ ચોબારી અને ચાણપા પાણી પૂરવઠા હેડ કવાર્ટરની મુલાકાત લીધી હતી અને  નર્મદા કેનાલ પાઇપલાઇન કામગીરીની સ્થળ તપાસ કરી ઝડપથી કામ પૂર્ણ કરવા ઉપસ્થિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી

આ પ્રસંગે રાજકોટ પાણી પુરવઠા બોર્ડના ચીફ એન્જીનીયરશ્રી એલ.જે. ફુફલ, અધિક્ષક ઈજનેરશ્રી એલ.જે.કોટા, સુરેન્દ્રનગર પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેરશ્રી એન.જે.પટેલ,  લીંબડી કાર્યપાલક ઈજનેરશ્રી  શંકરભાઈ દેસાઈ, થાનગઢ નગરપાલિકાના પ્રમુખશ્રી વિજયભાઈ ભગત તેમજ અગ્રણી સર્વશ્રી સુરેશભાઈ ધરજીયા, નરેશભાઈ મારૂ, શૈલેશભાઈ ઉપાધ્યાય, તેજાભાઈ ભરવાડ, વિરજીભાઈ પરાલીયા, પ્રદિપભાઈ ખાચર સહિત સરપંચશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

(11:58 am IST)