Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

વિછીયાના ઢેઢુકી આણંદપરમાં લાભુબેન કોળી અને બે પુત્રો પર સશસ્ત્ર હુમલો

પ્રેમજી કોળીએ લાભુબેનને ઘરમાં બેસાડવાની વાત તેના દિકરા સંજયને કર્યા બાદ ડખ્ખો

રાજકોટ તા. ૨૩: વિછીયાના ઢેઢુકી આણંદપરમાં રહેતાં કોળી મહિલા લાભુબેન સોમાભાઇ ગોહેલ (ઉ.વ.૫૫) તથા તેના પુત્રો સતિષ ગોહેલ (ઉ.૨૩) અને હેમંત ગોહેલ (ઉ.૧૯) પર ગામના જ પ્રેમજી ભુરાભાઇ વાધાણી (કોળી) તથા તેના માતા, તેમજ મુન્નો, તેની પત્નિ સહિતનાએ તલવાર, ધારીયા, ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડતાં ત્રણેયને વિછીયા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

બનાવની જાણ હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ વિછીયા પોલીસને કરતાં પોલીસે રાજકોટ આવી ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. લાભુબેનના કહેવા મુજબ તેના મોટા દિકરા સંજયને પ્રેમજી ભુરાએ અટકાવી ગાળો દેતાં અને 'તારી માને મારા ઘરમાં બેસાડવી છે' એવા વેણ કહેતાં બોલાચાલી થઇ હતી. આ બાબતે પ્રેમજીને ઠપકો આપતાં તેના સહિતના ઉશ્કેરાઇ ગયા હતાં અને તલવાર, ધોકા, ધારીયાથી હુમલો કર્યો હતો.

(11:07 am IST)