Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ફરી માવઠાએ આફત સર્જીઃ વેરાવળ-ખાંભા-તાલાલા-તળાજા પંથકમાં વરસાદ

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણનો માહોલ બરકરારઃ મોડી રાત્રીના અને વહેલી સવારે સામાન્‍ય ઠંડક

પ્રભાસપાટણઃ તસ્‍વીરમાં વેરાવળ પંથકમાં વરસેલ વરસાદથી ખેતરોમાં ભરાયેલ પાણી નજરે પડે છે. (તસ્‍વીરઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસપાટણ)
રાજકોટ, તા., ૨૩ :  રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્‍ચે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે સામાન્‍ય ઠંડકનો અહેસાસ થઇ રહયો છે.
જો કે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર થવા લાગે છે અને બપોરના સમયે ગરમી સાથે ઉનાળા જેવા વાતાવરણનો અહેસાસ થાય છે.
લઘુતમ તાપમાનનો પારો પણ શનીવારથી ઉંચે ચડવા લાગતા ઠંડીની વધુ અસર અનુભવાતી નથી.
આવા વાતાવરણ વચ્‍ચે કાલે અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના તાતણીયા, લાસા સહીતના ગામોમાં માવઠુ વરસતા ખેડુતોની ચિંતા વધી છે.
આ ઉપરાંત ખાંભા પંથકમાં માવઠુ વરસ્‍યું હતું.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ આજનું  હવામાન ૩૩ મહતમ,  ર૧.પ લઘુતમ,  ૭૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૬.પ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.
હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા પાંચ દિવસથી સૌરાષ્‍ટ્રમાં વાદળાછાયુ વાતાવરણ રહે છે અને કમોસમી વરસાદ વરસાદ વરસી રહ્યો છે. ઘણી જગ્‍યાએ ચોમાસા જેવા માહોલ પણ જોવા મળ્‍યો હતો. ત્‍યારે એક દિવસના વિરામ બાદ કરી તળાજા, ખાંભા અને તાલાલા પંથકના ગામડાઓમાં માવઠું નેવાધાર વરસ્‍યું હતું જેના કારણે ખેતીના પાકને નુકસાન પહોચ્‍યું છે.   
તળાજા
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ તળાજા અને મહુવા તાલુકાના ગામડાઓમાં પણ નેવાધાર વરસાદ વરસી ગયો હતો. વરસાદની આગાહીના પગલે તળાજા યાર્ડમાં મગફળી ન મુકવા માટે યાર્ડ સેક્રેટરીએ ખેડુતોને સુચના આપી છે.
તલાલા
તલાલા પંથકનો ધાવા ગિરી, વિસ્‍તારના આઠ ગામોમાં કમોસમી વરસાદ પડયા બાદ, બે દિવસથી ફરી ધીમી ગતિએ કમોસમી વરસાદ શરૂ થયો છે. આજે આકોલવાડી ગિર ગામ તથા આજુબાજુના હડમતિયા ગિર, મંડોરણા ગિર અને બામણાસા ગિર સહિતના સાતેક ગામમાં કમોસમી વરસાદ પડયો હતો અન્‍ય વિસ્‍તારમાં છાટા પડયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ખાંભા
ખાંભા-સાવરકુંડલા પંથકમાં વાતાવરણમાં પલટો આવતા વાદળછાયુ વાતાવરણ વચ્‍ચે વરસાદી ઝાપટુ વરસી ગયું હતું.  જયારે સાવરકુંડલાના વિજપડીમાં સારો વરસાદ વરસ્‍યો છે વરસાદના કારણે કપાસ, મગફળીને નુકસાન થયું છે જેથી ખેડુતો ચિંતિત બન્‍યા છે.
પ્રભાસ પાટણ
(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસ પાટણઃ  વેરાવળ તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેતરો ઊભા પાકો ને ભારે નૂકસાનથયું છે.
વેરાવળ તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં બપોર બાદ કાજલી, સોનારીયા, બાદલપરા, નાવદ્વા, ઈનદ્વોઇ, પપંડવા સહિત તાલુકાના મોટા ભાગના ગામોમાં વરસાદ વરસેલ છે જેના કારણે ઘંઉ,ચણા,મરચી નો રોપ,ધાણા સહિતના પાકામોં ભારે નૂકસાન થયેલ છે તેમજ ખેડુત ના ખેતરોમાં પડેલા ઢોર ના છાણા પણ પલળી ગયા છે.

 

(11:07 am IST)