Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

પોરબંદરમાં કોંગ્રેસ વોટ બેન્ક સાચવવા લોકોનાસ્વાસ્થ્ય સાથે ચેડા કરતા અચકાતુ નથી

અખાદ્ય ફ્રુટના વેચાણ સામે કડક કાર્યવાહી કરનાર પાલિકાની કામગીરીમાં રૂકાવટ કરનારા સામે જિલ્લા ભાજપ પ્રમુખનો રોષ

પોરબંદર તા.૨૩ : મેમણવાડામાં એક ધંધાર્થી સડેલા ફળો વેચતા હોવાનું માલુમ પડતા આ ફળનો જથ્થો જપ્ત કરવા ગયેલા પાલિકાના ફ્રુડ વિભાગના અધિકારીઓને કોંગ્રેસના આગેવાનોએ અટકાવ્યા હતા બોલાચાલી કરી હતી અને માથાકુટ કરીને નવ કિલો જેટલો અખાદ્ય ફ્રુટના જથ્થાનો વહીવટી ચાર્જ વસુલવા દીધો ન હતો, પાલિકાનું તંત્ર કડક કાર્યવાહીસાથે દંડ ફટકારી રહ્યુ હોય ત્યારે કોંગ્રેસના આગેવાનો પોતાની વોટબેંક સાચવવા માટે  શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા પણ અચકાયા ન હતા. તેમ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડિયાએ રોષ પૂર્વક જણાવ્યુ હતુ.

ભારતીય જનતા પાર્ટી માટે પોરબંદરના દરેક સ્વાસ્થ્ય અગ્રક્રમે રહ્યુ છે દરેક નાગરીક સમાન છે પણ પ્રશ્ન એ થાય છે કે ફુડ વિભાગ દ્વારા અવાર નવાર ખાદ્યપદાર્થનું અને ફળ ફ્રુટમાં ચેકીંગ થતુ હોય છે ત્યારે માત્રને માત્ર આ જ્ઞાતિ તેમની વોટબેંક હોય એટલે શું પોરબંદરના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવા દેવાના? તેવો પ્રશ્ન કિરીટભાઇ મોઢવાડિયાએ ઉઠાવ્યો હતો.

ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટભાઇએ કોંગ્રેસને અપીલ કરી કે ચુંટણી  તો આવે ને જાય પણ જનતાના સ્વાસ્થ્ય પ્રશ્ને વોટબેંક પોલિસી કે રાજનીતિ ન રમાય. સકારાત્મક વલણ અપનાવીને શહેરની પ્રજાને સારૂ અને કેમિકલ રહિત ખાદ્યપદાર્થો મળી રહે, તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે ફુડ વિભાગના અધિકારીઓની કામગીરીમાં અવરોધ ઉભા ન કરે, તેમજ અધિકારીઓને સહકાર આપી અને જનતાના સ્વાસ્થ્યને નુકસાન ના થાય તેમાં મદદરૂપ થાય તે જરૂરી છે.

(1:23 pm IST)