Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

જસદણના કોઠી ગામે કપાસ વચ્ચે ગાંજાનુ વાવેતર કરાયુ'તુઃ રૂરલ એસઓજીનો દરોડો

૫ કિલો ગાંજાના છોડ સાથે કોઠી ગામના દિનેશ ચૌહાણની ધરપકડઃ વેચવા અને પીવા માટે ગાંજાનું વાવેતર કર્યુ'તું

તસ્વીરમાં ગાંજાનું વાવેતર કરનાર શખ્સ (નીચે બેઠેલ) સાથે રૂરલ એસઓજીનો કાફલો નજરે પડે છે.

રાજકોટ, તા. ૨૩ :. જસદણ તાલુકાના કોઠી ગામની સીમમાં રૂરલ એસઓજીએ દરોડો પાડી કપાસ વચ્ચે કરાયેલ ગાંજાનું વાવેતર પકડી પાડી એક શખ્સને ઝડપી લીધો હતો.

ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જીલ્લામાં નાર્કોટીકસ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સૂચના આપેલ જે અનુસંધાને એસઓજી પો. ઈન્સ. એસ.એમ. જાડેજા, પો. સબ ઈન્સ. એચ.એમ. રાણા, પો. સબ ઈન્સ. જી.જે. ઝાલા તથા એસ.ઓ.જી. સ્ટાફ સાથે ગોંડલ વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમિયાન પો. હેડ કોન્સ. જયવિરસિંહ રાણા તથા ધર્મેન્દ્રભાઈ ચાવડા તથા હિતેષભાઈ અગ્રાવત તથા રણજીતભાઈ ધાધલને ખાનગી રાહે હકીકત મળેલ કે દિનેશ ગોરધનભાઈ ચૌહાણ જાતે બાબર રહે. કોઠી ગામની પાંચકોશી સીમ, પાવર હાઉસની પાછળ તા. જસદણ, જી. રાજકોટવાળો પોતાની વારસાયીની ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ - માદક પદાર્થ (ગાંજા)ના છોડનું વાવેતર કરેલ છે તેવી ચોક્કસ અને ભરોસાપાત્ર હકીકત આધારે હકીકતવાળી જગ્યાએ રેઈડ કરતા આરોપીના કબ્જા ભોગવટાવાળી વાડી પડામાંથી કપાસના વાવેતર વચ્ચેથી ગાંજાના નાના-મોટા છોડ નંગ ૨૯ કુલ વજન ૫ કિલો ૨૮૧ ગ્રામ કિં. રૂ. ૩૬,૯૬૭ સાથે આરોપીને ઝડપી પાડી જસદણ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.  પકડાયેલ દિનેશે પોતે ગાંજાનો બંધાણી હોવાનું પોતાના માટે તથા વેચાણ માટે ગાંજાનું વાવેતર કર્યાની કબુલાત આપી હતી.

(1:18 pm IST)