Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મોરબીમાં સ્મૃતિ ઈરાનીની સભામાં ઉમેદવાર બ્રિજેશ મેરજા જ ગેરહાજર: અનેક અટકળો

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે જાહેર સભા સંબોધી હતી

મોરબીઃ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પોતપોતાના મત વિસ્તારોમાં જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે.ત્યારે આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે જાહેર સભા સંબોધી હતી. આ સભામાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા જ ગેરહાજર રહેતા જાત જાતની અટકળો શરૂ થઈ ગઈ છે.

મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, મોરબી-માળિયા વિધાનસભાની પેટાચૂંટણીનો પ્રચાર કરવા માટે આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની મોરબી ખાતે પહોંચ્યા હતા. મોરબીના શનાળા રોડ ઉપર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે તેઓએ ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાના સમર્થનમાં જાહેરસભા સંબોધી હતી.

આ સભામાં પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા, આઇ.કે. જાડેજા, જયંતિ કવાડિયા સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા સભામાં હાજર રહ્યા નહોતા. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની સભામાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા જ ગેરહાજર રહેતા અનેકવિધ અટકળો શરૂ થઈ છે.

(6:28 pm IST)