Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

અદાણી જી. કે. હોસ્પિટલમાં ઓકિસજનનો ત્રીજો પ્લાન્ટ

હોસ્પિટલને કોવિડ માટે ૩૦૦ બેડ સુધી વિસ્તૃત કરાતા કોરોના તથા અન્ય દર્દીઓ માટે પ્રાણવાયુનો પુરવઠો ર૪ કલાક જળવાઇ રહેશે

ભુજ તા. ર૩ :.. અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં કોરોના કાળમાં કોવિડ-૧૯ ના તેમજ અન્ય જરૂરીયાતમંદ દર્દીઓને ઓકસીઝનનો જથ્થો અવિરત મળતો રહે તે માટે ઓકિસજનના ૩જા પ્લાન્ટના શાસ્ત્રોકત વિધિથી શ્રીગણેશ કરવામાં આવ્યા છે. કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલને ૩૦૦ બેડ સુધી વિસ્તૃત કરાતા આ સગવડ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

જી. કે. જનરલ હોસ્પિટલમાં બાયોકેમિકલ એન્જિ વિભાગ દ્વારા આ ત્રીજો પ્લાન્ટ કાર્યાન્વિત થતાં ર૪ કલાકમાં ૧રપ જમ્મો ઓકિસજનના બોટલ જેટલો પ્રાણવાયુ આવશ્યકમંદ દર્દીઓને પુરો પાડી શકાશે અને હોસ્પિટલમાં ચોવીસ કલાક ઓકિસજનનો જથ્થો ઉપલબ્ધ રહેશે. અગાઉ જરૂરીયાત પ્રમાણે ગાંધીધામથી ઓકિસજનનો જથ્થો મંગાવવામાં આવતો હતો. જે હવે સ્થાનિકે જ મળતો રહેશે.

હોસ્પિટલના બાયોકેમિકલ એન્જિનીયર શ્રી ભાવેશ પટેલે આ ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રથમ પ્લાન્ટ ર૦૧૬ માં સ્થાપિત કરવામાં આવ્યો હતો. જેની ક્ષમતા ૮૮ બોટલની હતી. ત્યારબાદ બીજો પ્લાન્ટ ર૦ર૦ માં બેસાડવામાં આવ્યો હતો. અને તેની સંગ્રહશકિત ૧રપ બોટલની હતી. અને હવે એટલી જ ૧રપ બોટલની ધારણશકિતવાળો ત્રીજો પ્લાન્ટ હોસ્પિટલના અધિક મેડીકલ સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણીના માર્ગદર્શન હેઠળ પુર્ણરૂપથી કાર્યાન્વિત થઇ ગયો છે.

આ ઉદઘાટન પ્રસંગે બાયોમેડિકલ એન્જિ. વિભાગની સમગ્ર ટીમ, કોમર્શિયલ હેડ કિરીટભાઇ પંચાલ, પુરવઠો પૂરો પાડનાત કંપનીના પ્રતિનિધિ જિગર ત્રિપાઠી, એન્જિ. હેડ અમૃતભાઇ પટેલ તથા મેડિકલ એડમીન વિભાગના આસી. મેનેજર વિશ્વમોહન અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી ચિરાગ ભટ્ટ સહિત એડમીન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(11:40 am IST)