Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

દેશ દેવીમાં આશાપુરા માતાના મઢ કચ્છ ખાતે આજ રાત્રે ભવ્ય હોમાદિક ક્રિયા : કાલે શનિવારે કચ્છ રાજવી પરિવારમાં આશાપુરાને સવારે જાતર (પતરી) ચડાવશે

સરકારશ્રીના નિયમોનુસાર મુખ્ય પુજારી, સેવક ગણ, બ્રાહ્મણો દ્વારા સાદગીપુર્વક હોમાદિક ક્રિયા રાજા બાવાશ્રી યોગેન્દ્રસિંહજી અધ્યક્ષસ્થાને સાદગીપુર્વક યોજાશેઃ તા.૨૬ થી સરકારશ્રીના નિયમો મુજબ દર્શનાર્થીઓ માટે મંદિર ખુલશે

રાજકોટ : ભારતીય સંસ્કૃતિમાં શકિત ઉપાસનાનું સ્થાન અલૌકિક, અનોખુ અને અજોડ છે. માતાના મઢમાં આશાપુરા શકિત પીઠ ખાતે આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આશાપુરાનું ૧૯મી સદીનું ભવ્ય તીર્થધામ છે. સૌરાષ્ટ્ર-ગુજરાત, મહારાષ્ટ્રમાંથી ભાવિકો પગપાળા, સાયકલ દ્વારા વિશાળ સંખ્યામાં માતાજીના ગુણગાન ગાતા માં આશાપુરા ઉપર અપાર શ્રધ્ધા અને વિશ્વાસ સાથે ચરણસ્પર્શ કરવા આવે છે. ભારતની ૧૦૮ શકિતપીઠોમાં માતાના મઢની ગણના થાય છે. માં આશાપુરાની મંદિર ઉપર બાવન ગજની ધજા છે. નિજ મંદિરમાં વિશાળ ઘંટ છે. મુખ્ય મંદિર ૫૮ ફુટ લાંબુ અને ૩૨ ફુટ પહોળુ છે. માં આશાપુરાની વિશાળ કદની ૬ ફુટની મુર્તિ છે. માં આશાપુરા મઢ ખાતે હોમાદિક ક્રિયાનુ અતિભારે મહત્વ છે. લાખોની સંખ્યામાં માંની માનેલ માનતા અને શ્રધ્ધા આસ્થા સાથે ભાવિકો દર્શન કરવા આવે છે.

આસો સુદ ૭ શુક્રવાર તા.૨૩-૧૦-૨૦૨૦ના રાત્રે ૯-૩૦ કલાકે રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજીના અધ્યક્ષસ્થાને ગોર મહારાજશ્રી દેવકૃષ્ણ મુળશંકર જોશી હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. હોમાદિક ક્રિયા વિધિ સમયે દરેક દેવતાઓને આહવાન આપી ફળ, ફુલોથી હોમાદિક ક્રિયામાં આહુતિ અપાશે. આ સમયે ચંડીપાઠ, શ્રલોક, સંક્રાંતિપાઠ, મા ના ગરબા ગવાશે. આ સમયે વાતાવરણ ભકિતમય બની જાય છે. મધ્યરાત્રીએ રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી ૧-૩૦ કલાકે શ્રીફળ હોમશે. સમગ્ર વાતાવરણ આશાપુરાના નાદ સાથે ગુંજી ઉઠશે. તા. ૨૪-૧૦-૨૦૨૦ શનિવાર આસો સુદ આઠમના કચ્છ રાજાશ્રી પ્રાગમલજી ત્રીજા સવારે માં આશાપુરાને જાતર (પતરી) ચડાવશે.

કચ્છ રાજવી ચાચરા કુંડથી સામૈયા સાથે સવારી આવે છે. ત્યારે શરણવાદક, આમદ ઓસમાણ લંગા, નોબતવાદક લતીફ હાસમ લંગા, જાગરીયા ડાક મુસ્લીમ પરિવાર દ્વારા વિધિ કરાશે. આ સમયે સમગ્ર વાતાવરણ ભકિતમય બની જશે. માં આશાંપુરા મંદિરમાં ભુવાશ્રી દિલુભા ભગુભા ચૌહાણ માતાજીને ધુપસેવા પુજા કરે છે. માં આશાપુરા નિજ મંદિરની અંદર હનુમાનજી, ગણેશજી, શંકરપાર્વતી, ખેતરપાળ દાદા તેમજ ચાચરકુંડ પાસે માં ચાચરા ભવાની માતાજીનુ મંદિર આવેલ છે. આશાપુરા મંદિર પાસે હિંગળાજ માંનુ ભવ્ય મંદિર છે ત્યા પ્રકાશભાઇ છોટાલાલ પંડયા છેલ્લા ત્રણ પેઢીથી માતાજીની આરતી તેમજ સેવાપુજા કરે છે. આરતીનો સમય સવારે પ કલાકે મંગળા આરતી, સવારે ૯ કલાકે ધૂપ આરતી તેમજ સુર્યાસ્ત સમયે સંધ્યા આરતી થાય છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટ સરકારશ્રીના નિયમોનુસાર સમગ્ર હોમાદિક ક્રિયા કરાશે. રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી માં આશાપુરાને વંદનપુર્વક પ્રાર્થના કરી કોરોનાના ભયંકર રોગથી દેશવાસીઓને મુકિત મળે તેવી વંદનપુર્વક પ્રાર્થના કરશે. માં આશાપુરાના દર્શનમાત્રથી સૌની મનોકામના પુર્ણ થાય છે.(૪૫.૯)

સંકલન

વિનોદભાઇ આર.પોપટ

મો. ૯૯૭૯૯ ૦૭૨૧૮

(10:51 am IST)