Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

અમરેલી રોકડિયાપરા શાળાના શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા કાનમાં સંભળાતુ બંધ થઇ ગયુ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૩ :..  અમરેલીના રોકડીયાપરા પ્રાથમિક શાળામાં ધો. ૬ માં અભ્યાસ કરતા માનવ ભરતભાઇ મેરને શાળાના શિક્ષકે માર મારતા કાનમાં સંભળાવવાનું બંધ થતા તેમના વાલીએ પ્રથમ ખાનગી દવાખાને સારવાર કરાવી છતા ફેર ન પડતા સીવીલ હોસ્પિટલ લઇ ગયેલ પરંતુ ત્યાં ઇએનટી સર્જન ન હોવાથી હાલ સારવાર કયાં અપાવવી તે મુશ્કેલી છે આ શિક્ષક સામે કડક પગલા ભરવા લાલજીભાઇ હકુભાઇ મેરએ રજૂઆત કર્યાનું જણાવ્યું છે.

આપઘાત

બગસરામાં પ્રિન્સસિંહ મથુરભાઇ ચાવડા (ઉ.૧૯) ને નવો મોબાઇલ લેવો હોય. પિતા પાસે અવાર નવાર માંગતા પિતાએ એકાદ માસ પછી નવો મોબાઇલ લઇ આપવા જણાવતા સારૂ નહીં લાગતા ઘરે પંખા સાથે દોરી બાંધી ગળા ફાંસો ખાઇ લેતા મોત નિપજયાનું પિતા મયુરભાઇએ બગસરા પોલીસમાં જાહેર કરેલ છે.

બાઇકની ચોરી

વંડા તાબાના શેલણા ગામે લલીતભાઇ કિરીટભાઇ ત્રિવેદી ઉ.૩૩ નું મંદિરના પટાંગણમાં રાખેલ બાઇક જી. જે. ૧ એસ. વાય. ૬૪૪૦ રૂ. ર૦,૦૦૦ ની કિંમતનું કોઇ ચોરી ગયાનું વંડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ધમકી

ધારી તાલુકાના દલખાણીયા ગામના ફિરોઝભાઇ ઉર્ફે ફીરો વલીભાઇ બ્લોચ ઉ.વ.રપ ને દલખાણીયા સુખપુર ગામે જવાના રસ્તે સેમરડી ગામના રસ્તે જાનુ દાદુભાઇ, સબીર, જુમ્માભાઇ, આમીન જુમ્માભાઇ બ્લોચે જણાવેલ કે, તું અમોને કેમ દૂધ આપતો નથી જેથી કહેલ કે તમો પૈસા આપતા નથી તેથી દૂધ આપતો નથી. જેથી ઉશ્કેરાઇ ગાળોબોલી પાઇપ વડે મારમારી ધમકી આપ્યાની ધારી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ઝેરી દવાથી મોત

સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે રહેતા જીતુભાઇ ભુપતભાઇ મકવાણા (ઉ.વ.ર૭) ફાર્મમાં  કપાસમાં દવા છાંટતા ઝેરી અસર થતા તેના ભાઇને માતાએ ફોન કરતા મોટા ખુંટવડાથી તેનો ભાઇ કેરાળા ગામે દવા ઉતારવા ગયેલ ત્યાંથી મહુવા ડો. દિનેશ મુછાળાનાં દવાખાને સારવાર માટે લઇ જતા ડોકટરે મૃત જાહેર કર્યાનું જગદીશભાઇ મકવાણાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

માર માર્યો

રાજૂલા તાલુકાના ખેરા ગામે રહેતા શામજીભાઇ વરસાભાઇ ગુજરીયા (ઉ.વ.૩૮) એ ગામમાં હનુમાનદાદાનું મંડળ ચાલતું હોય. જેનો વહીવટ નરશી નાકરભાઇ ગુજરીયા કરતા હોય જેથી મંડળના પૈસા તેમની પાસે માંગતા સારૂ નહીં લાગતા ભાણા નાકરભાઇ ગુજરીયાએ માથામાં પાઇપ મારી ગંભીર ઇજા કરી પત્નિને લાકડી માર મારી લાલજી રાજાભાઇ ગુજરીયાએ ઢીકાપાટુનો મારમારી ધમકી આપી અમરશી ભાણાભાઇ ગુજરીયાએ મદદગારી કર્યાની મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે અમરશીભાઇ ભાણાભાઇ ગુજરીયાએ સોમાત ચોથાભાઇ, શામજી વરસાભાઇ ગુજરીયા પાસે મંડળનો હિસાબ માંગતા અને સમજાવતા સારૂ નહીં લાગતા શામજી વરસાભાઇ ગુજરીયાએ માથામાં લાકડી મારી સોમાત ચોથાભાઇ, કાંતી વરસાભાઇએ ઢીકાપાટુનો મારમારી ગાળોબોલી ધમકી આપ્યાની મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(12:52 pm IST)