Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

વિંછીયા પાસે કપાસ ભરેલું આઇસર પલ્ટી ખાતા ડ્રાઇવર સહિત ૩ ને ઇજા

વિંછીયા-જસદણ ખરાબ રોડના કારણે છાશવારે બનતા અકસ્માતના બનાવો

તસ્વીરમાં પલ્ટીખાઇ ગયેલ આઇસર નજરે પડે છે.

(નરેશ ચોહલીયા) જસદણ, તા. રરઃ વીંછીયાના લાલાવદર ગામ નજીક કપાસ ભરેલું આઈસર અચાનક પલટી ખાઈ જતા ડ્રાઈવર સહિત ત્રણ લોકોને ફેકચર જેવી ઈજાઓ પહોંચી હતી.

મળતી માહિતી મુજબ કપાસ ભરેલું આઈસર વીંછીયા સાઈડથી જસદણ તરફ આવતું હતું. ત્યારે આ આઈસર અચાનક પલટી જતા સેવાભાવી લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને આઈસરના ડ્રાઈવરને પગમાં ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે, જસદણ-વીંછીયા રોડ પર અવારનવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. કારણ કે જસદણ-વીંછીયા રોડ લિસ્સો હોવાથી આવી અકસ્માતોની ઘટનાઓ બનતી હોવાનું વાહનચાલકોનું કહેવું છે. ચાર દિવસ પહેલા પણ બે વાહનો જસદણ અને વીંછીયા વચ્ચે પલટી ખાઈ ગયા હતા. એકબાજુ વરસાદનું વાતાવરણ હોય અને રોડ લિસ્સો હોવાથી વાહનોના પૈડાં સ્લીપ થવાથી ડ્રાઈવરો પોતાના વાહનો પરથી કાબુ ગુમાવી દેતા હોવાથી અવારનવાર વાહનો પલટી ખાઈ જવાની ઘટનાઓ બની રહી છે.  છતાંય જવાબદાર તંત્ર કોઈ વાહનચાલકનો કે અન્યનો ભોગ લેવાય તેની રાહ જોઈને બેઠું હોય તેવું દેખાઈ રહ્યું છે. જેથી આ રોડના જવાબદારો દ્વારા વહેલી તકે વાહનો સ્લીપ થવાની સમસ્યાને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વાહનચાલકોની માંગણી ઉઠવા પામી છે.

(11:39 am IST)