Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ભાવનગરમાં યોજીત નેશનલ ફલેગડેનું સમાપન : અમદાવાદે મેદાન માર્યુ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૩ : ભાવનગર માં નેશનલ ફ્લેગડે ૨૦૨૦ ઉજવણી કાર્યક્રમ Shri Labhubhai T Sonani Youtube Channel પર લાઈવ પ્રસારિત થયો હતો. આ ઓનલાઈન કાર્યક્રમમાં સપ્તાહ દરમિયાન યોજાયેલ કાર્યક્રમોની વિગત  હસમુખભાઈ ધોરડાએ આપી હતી. સ્પર્ધાનું પરિણામ  મહેશભાઈ પાઠકે ખૂલ્લું મુકયું હતુ. નિર્ણાયક તરીકે સુરભીબહેન પરમાર અને શ્યામલભાઈ મહેતાએ પ્રેરક સૂચનો સાથે અભિપ્રાય રજુ કર્યો હતો.

આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતુ કે નેત્રહીનોમાં છુપાયેલી શકિતઓને બહાર લાવવા સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રાજયના ૧૭૪ પ્રજ્ઞાચક્ષુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સંસ્થા દ્વારા નેત્રહીનોને પગભર બનાવવા અનેકવિધ પ્રકલ્પો ચાલે છે જેવા કે સ્વરોજગારી, સરકારી ક્ષેત્રે વિકલાંગોની ભરતી માટે એડવોકસી, બેંક લોન, સેમીનાર, બ્રેઇલ પુસ્તકાલય, ઓડિયો રેકોર્ડીંગ સ્ટુડિયો કાર્યરત છે. સુગમ અને ફિલ્મી સંગીત સ્પર્ધાના વિજેતાઓને સંસ્થા તરફથી અનુક્રમે રૂ.૫૧૦૦/-, રૂ.૩૧૦૦/- અને રૂ.૨૧૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે.

આ કલોઝિંગ સેરેમનીમાં અતિથિવિશેષ તરીકે  બીપીનભાઈ પંડ્યા, સંસ્થાના ટ્રસ્ટી  પંકજભાઈ ત્રિવેદી, નીલાબેન સોનાણી,  હર્ષકાંતભાઈ રાખશીયા ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ કનુભાઈ પટેલે કરી હતી જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન  નીતાબેન રૈયાણીએ કર્યું હતું. આ ઓનલાઈન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

(11:45 am IST)