Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

ગીરમાં ગંભીર વાઇરસ પ્રસર્યો હોવાની પ્રબળ આશંકા ફેલાઈ

સરકાર અને વનવિભાગે સાચી વાત છુપાવી : વાઇરસની વાત સાચી હોય તો વનવિભાગ અને સરકારના લોકોએ બચેલા સિંહોને લોકેટ કરીને તપાસ કરવી જોઇએ

અમદાવાદ, તા.૨૩ : સમગ્ર વિશ્વમાં ગુજરાતનું ગૌરવ સમા એશિયાટિક સિંહો પર જાણે આફત સર્જાઈ હોય તેમ ધારી નજીક દલખાણીયા રેન્જમાં ૧૧ વનરાજોના મોતથી જબરદસ્ત હાહાકાર મચી ગયો છે. એક તરફ સરકાર સિંહ સંરક્ષણની વાતો કરે છે અને બીજી તરફ નરવી વાસ્તવિકતા પણ બહાર આવી રહી છે. સિંહોના રક્ષણ સાથે સંકળાયેલા અને પર્યાવરણવિદ્દોમાં હવે બાકી બચેલા સિંહોને લઇ ગંભીર ચિંતા ઉભી થઇ છે. તો, સાથે સાથે આ સમગ્ર પ્રકરણમાં રાજય સરકાર અને ખુદ વનવિભાગ દ્વારા સિંહોના મોત મામલામાં સાચી હકીકત છુપાવાઇ રહી હોવાની પણ ભારે ચર્ચા ઉઠી છે. એટલું જ નહી, વાસ્તવમાં ગીર પંથકમાં ખાસ કરીને જંગલ વિસ્તારમાં ગંભીર પ્રકારનો વાઇરસ પ્રસર્યો હોવાની પણ આશંકા પ્રવર્તી રહી હોઇ જંગલના ૫૦૦ સિંહો પર પણ જોખમ હોવાની દહેશત વ્યકત થઇ રહી છે. જેને લઇ હવે સિંહોના મોતનો સમગ્ર મામલો ગરમાયો છે.  પર્યાવરણવિદ્દોમાં જો ખતરનાક વાઇરસની વાત સાચી હોય તો વનવિભાગ અને સરકારના સત્તાધીશોએ બચેલા સિંહોને લોકેટ કરી તાત્કાલિક તેના નિવારણ અને સંરક્ષણના પગલાં યુધ્ધના ધોરણે લેવા જોઇએ એવી પણ માંગણી ઉઠાવી છે. ઉલ્લેખનીય છે, ધારી ગીર પૂર્વની સૌથી સેન્સેટીવ ગણાતી દલખાણીયા રેન્જમાં છેલ્લા ચાર વર્ષથી કોઈ કાયમી આર.એફ.ઓ. છે જ નહીં. તે સિવાય પણ આ રેન્જમાં સૌથી વધુ લાયન શો થાય છે અને પૈસા આપો એટલે કાયદેસર ફોન કરી લાયન શો જોવા મળે છે. ઇન્ફાઇટમાં સિંહના મોતનું કહી સરકાર અને વનવિભાગ જવાબદારીમાંથી છટકી જવા માંગતા હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. પરંતુ વાસ્તવમાં ગીરના જંગલમાં ગંભીર વાઇરસે ભરડો લીધો હોય તેવું ચર્ચાઇ રહ્યું છે. હજુ આ રેન્જના અને જંગલના સહિત ૫૦૦ સિંહો પર જીવનું જોખમ હોવાની ગંભીર દહેશત પણ વ્યકત કરાઇ રહી છે.  સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, જો કોઇ પણ સિંહ કે સિંહણનું ઇન્ફાઇટમાં મોત થાય તો કોઇ દિવસ દિલ્હીની એટલે કે કેન્દ્રમાંથી ટીમો ન આવે કે ન બહારના ડોક્ટરને બોલાવવા પડે. ગંભીર અને ભેદી કોઇ વાઇરસ ફેલાયો છે જે અન્ય સિંહોને પણ ભરખી જાય તો આ આંક ૫૦૦ સુધી પણ પહોંચી શકે તેવી ભીતિ વ્યકત થઇ રહી છે. હાલ તો આ મુદ્દે કોઇ અધિકારી કંઇ બોલવા તૈયાર નથી. દરમ્યાન એશિયાટીક લાયન પ્રોટેક્શન સોસાયટીના ફાઉન્ડર પ્રેસિડન્ટ કમલેશ અઢિયાએ જણાવ્યું હતું કે, એકી સાથે ૧૧ સિંહ મર્યા હોય તેવો બનાવ મેં પણ પ્રથમ વખત જોયો. ઇન્ફાઇટનો મુદ્દો લાગતો નથી, જો વાઇરસ હોય તો બાકી રહેલા સિંહોને ઝડપથી લોકેટ કરી તેનું તાત્કાલિક ચેકિંગ હાથ ધરી યુધ્ધના ધોરણે તેના નિવારણ અને સિંહોના સંરક્ષણ માટેના પગલાં લેવા જોઇએ.  ઇન્ફાઇટ હોય તો સિંહના બે ગ્રુપ હોય જેમાં ખુંખાર સિંહ અન્ય સિંહો અને સિંહણ પર બાથ ભીડતો હોય છે. જેમાં સામેવાળા સિંહને પણ ઇજાઓ પહોંચતી હોય છે. ઇન્ફાઇટમાં બાળસિંહ કેવી રીતે હોય તે પણ એક મોટો સવાલ છે. જો ઇન્ફાઇટ હોય તો ઘવાયેલા સાવજો પણ મળવા જોઇએ. આમ, હવે સિંહોના મોતનો સમગ્ર મામલો ગરમાયો છે ત્યારે સરકારે સાચી વાત જનતા સમક્ષ રજૂ કરવી જોઇએ તેવી પણ માંગણી ઉઠવા પામી છે.

સિંહોના મોતનું ચિત્ર....

અમદાવાદ, તા.૨૩ : ટુંકા ગાળાની અંદર જ ૧૧થી વધુ સિંહના મોત બાદ ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં કયા વર્ષે ેકેટલા સિંહના મોત કુદરતી અને બિનકુદરતી રીતે થયા તે નીચે મુજબ છે.

વર્ષ               કુદરતી મોત     બિન કુદરતી મોત

૨૦૧૩-૧૪............. ૪૮........................ ૨

૨૦૧૪-૧૫............. ૪૩........................ ૭

૨૦૧૫-૧૬............. ૪૮........................ ૯

૨૦૧૬-૧૭............. ૪૩........................ ૧૩

૨૦૧૭-૧૮............. ૪૬........................ ૧૧

(9:15 pm IST)