Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

જેતપુર સિવીલ હોસ્પિટલમાં અનેક સમસ્યા

જયેશભાઇ રાદડિયા મુલાકાત લઇને યોગ્ય કરે તેવી માંગણી

નવાગઢ તા.૨૩ : જેતપુરની સરકારી હોસ્પિટલમાં સુવિધાના નામે મીંડુ છે. છેલ્લા કેટલાય માસથી ગાયનેક ડોકટર ન હોવાથી અસંખ્ય મહિલા દર્દીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

જેતપુર પંથકના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આરોગ્યની જાળવણી માટે વિનામુલ્યે સારવાર સુવિધા આપવાના આદેશ છતા 'હોતી હૈ, ચલતી હૈ' ની નીતીથી દર્દીએ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. તેવી ફરિયાદો ઉઠી છે.

જેતપુરની આ સરકારી હોસ્પિટલમાં પુરા પંથકના દર્દીઓ અહી સ્વાસ્થ્ય સુવિધા મેળવવા આવે છે.

આજે જેતપુરની આ હોસ્પિટલમાં ડોકટરોની અછત અને જે છે તે રજાઓ ઉપર હોવાથી દર્દીઓ ભારે પરેશાન છે. છેલ્લા કેટલાક મહિનાઓ થયા ગાયનેક ડોકટર રજા ઉપર હોય મહિલાઓને બિમારીએ જૂનાગઢ તથા રાજકોટ રીફર સીધા કરી દેવાય છે ને છેલ્લા ત્રણેક મહિનાથી સુપ્રિટેન્ડન્ટ પણ રજા ઉપર હોય દર્દીઓ ફરિયાદ કરે તો કર્યા કરે ? તેવો ઘાટ સર્જાયો છે.

આ મામલે જેતપુર પંથકના યુવા મંત્રી જયેશભાઇ રાદડીયા ત્વરીત હોસ્પિટલની વિઝીટ લઇ આ માંદગીના બીછાને પડેલ હોસ્પિટલની સારવાર કરે તેવો સૂર ઉઠયો છે.

(12:04 pm IST)