Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

કુંકાવાવમાં લોકો અનેક સુવિધાઓથી વંચિત

તાલુકા મથકને મળવી જોઇએ તેવી કચેરીઓ,રસ્તા,ગંદા પાણી નિકાલની વ્યવસ્થા નથી

કુંકાવાવ તા.૨૩ : અહીના ઘણા પશ્નો કે જેનો વર્ષોથી ઉકેલ આમ જનતા શોધી રહી છે. જેમાં પ્રાથમિક સુવિધા કે જે એક તાલુકા મથકમાં હોવી જોઇએ. કુંકાવાવ - વડીયાના કુલ ૪૫ ગામ છે. જેમાં ૨૩ વડીયાને રર કુંકાવાવ તાલુકા હેઠળ આવે છે. કુંકાવાવમાં મોટી ઓફીસ તરીકે માત્ર તાલુકા પંચાયત કચેરી છે. જયારે વડીયા મથકને મામલતદાર ઓફીસ, કોર્ટ, પોલીસ સ્ટેશન, પુરવઠા કચેરી જેવા મહત્વના વિભાગ ટ્રેઝરી ઓફીસનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુંકાવાવથી વડીયાનું અંતર ૨૬ કીમી છે. તો કુંકાવાવથી અમરેલી અંતર પણ ૨૬ કીમી છે. જીલ્લા અને તાલુકા મથકના સેન્ટર વચ્ચે આવેલ કુંકાવાવ તેમજ ગામડાના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ન ઇચ્છતા હોવા છતા ફરજીયાતપણે રેશનકાર્ડનું ફીંગર સ્ટેમ્પ, નોન ક્રીમીલીયર સર્ટી, ટ્રેઝરીમાં નાણા ભરવા, સસ્તા અનાજની દુકાને લગતા, ગ્રાહકને લગતા બધા કામ માત્ર વડીયા સેન્ટરમાં કરવામાં આવતા હોય આવા સંજોગોમાં લોકોને રૂ. ૫૦ની ટીકીટ અને કેટલાય દિવસના સમયનો વ્યય થઇ રહ્યો છે.

વડિયા અને અમરેલી તેમજ વાવડી ગામના ધારાસભ્યો માત્ર ૨૬ કીમી અંતરે પોતાના નિવાસસ્થાન ધરાવે છે. તો કુંકાવાવ તાલુકાના નાગરિકો તરફ કેમ હમદર્દી નહી થતી હોય ? શા માટે સુવિધા વંચિત રાખવામાં આવ્યા છે ?

હાલ આ સેન્ટરને મોટા પોલીસ સ્ટેશનની જરૂરીયાત હોય તો ત્યા માત્ર આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનથી જ ચલાવવામાં આવી રહ્યુ છે. વર્ષો પહેલા આવાસ સહિતનું પોલીસ સ્ટેશન હતુ પરંતુ હાલ કવાર્ટસ તોડી મેદાન બનાવી માત્ર એક ઓફીસ સ્થાન ધરાવે છે. જેથી પોલીસ કર્મચારીને ભાડે મકાન અથવા તો અપડાઉન કરી પોતાના પરિવારજન તેમજ પોતાની ફરજને ન્યાય આપી રહ્યા છે.

૨૦૧૫ના પુરપ્રલયમાં કુંકાવાવ ગામના એરિયામાં ઘનશ્યામનગર વધુ પુર પ્રભાવીત થયેલ ત્યારબાદ પુરના હિસાબે ઘર પાસે રસ્તા પર કાંપ આવતા જમીનનું લેવલ ઉંચુ બની ગયુ છે તો ઘરના ફળીયા નીચા બન્યા છે. તેમાં પણ માટીનું પુરાણ કરતા હાલમાં ચોમાસાની સિઝન નજીક હોય ઘર કરતા બજારનું રસ્તાનું લેવલ ઉંચુ હોવાથી પાણીના નિકાલનો મુદ્દો હાલ નગરજનોને સતાવી રહ્યો છે.

ભુગર્ભ ગટર બ્લોક હોવાથી પાણીનો નિકાલ કઇ રીતે કરવો તે વિચાર હાલ નગરજનો કરી રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ ઉપરથી યોગ્ય મેનેજમેન્ટના અભાવે ગટરના ખરાબાનું પાણી રસ્તા પર ફરી રહ્યુ છે. ઉચ્ચઅધિકારીઓ પ્રધાન નેતાજીઓ એકવાર રૂબરૂ મુલાકાત ચકાસણી કરે તેવી પણ પ્રજાજનોની માંગ છે.

(11:58 am IST)