Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

સીએમ સાહેબ, આમાં કોરોના વોરિયર્સ કઇ રીતે બનીએ? : કચ્છના સોશ્યલ મીડિયામાં સવાલરૂપી હોટ 'ટ્વીટ'

જ્યાં તંત્ર દર્દીઓ વિશે પુરી જાણકારી નથી આપતુ : તો રેડઝોનમાંથી આવનારાઓ માટેના નિયમો ઘડવાની ઢીલ વચ્ચે જાહેરનામા સંદર્ભે અવઢવની ભરમાર

ભુજ તા. ૨૩ : રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શરૂ કરેલ અભિયાન 'હું પણ કોરોના વોરિયર્સ' અત્યારે ભારે ચર્ચામાં છે. પણ, કચ્છમાં સોશ્યલ મીડિયામાં ટ્વીટર પર 'સેવ કચ્છ' તેમ જ વ્હોટેસ અપ અને ઇન્સ્ટાગ્રામના ગ્રુપમાં સવાલ રૂપે ટ્વીટ થતું વાકય એક જ છે, સીએમ સાહેબ, આમા કઈ રીતે કોરોના વોરિયર્સ બનીએ?

જોકે, લોકોની ચર્ચાનું કારણ છે, કચ્છમાં વહીવટીતંત્ર દ્વારા કોરોનાના દર્દીઓ વિશે અપાતી અધૂરી માહિતી, કલેકટરતંત્ર દ્વારા પ્રસિદ્ઘ કરાતાં જાહેરનામા સંદર્ભે લોકોમાં પ્રવર્તતી દુવિધાઓ દૂર કરવા માટેનો અભાવ તે સિવાય રેડઝોનમાંથી પ્રવેશતા હજારો લોકો સંદર્ભે નિર્ણય લેવામાં ઢીલ!! તેમ જ જાહેરનામા સંદર્ભે લોકોમાં પ્રવર્તતી અવઢવો દૂર કરવાના અભિગમનો અભાવ.

વળી, આ સંદર્ભે જ કચ્છમાં સ્થાનિકે મીડીયાને પણ વહીવટીતંત્ર તરફથી માહિતી આપવાનો નકારાત્મક અભિગમ અને મુશ્કેલી સર્જાતાં તે અંગે મીડીયામાં પણ સતત પ્રસિદ્ઘ થતાં અહેવાલો અને ટીવી રિપોર્ટ ના કારણે કચ્છના લોકોમાં સ્થાનિકે તંત્રના નકારાત્મક અભિગમની ચર્ચા સોશ્યલ મીડીયામાં સતત થઈ રહી છે.

જોકે, સ્થાનિકે કચ્છમાં ભાજપના અનેક આગેવાનો ખુદ સોશ્યલ મીડીયામાં આ અંગે પોતાનો ઉકળાટ વ્યકત કરતા રહ્યા છે. તે વચ્ચે સરકારના શરૂ કરાયેલા અભિયાનને આવકાર સૌ આપે છે, પણ, સાથે એ પ્રશ્ન પણ પૂછે છે, સીએમ સાહેબ, આમાં કોરોના વોરિયર્સ કેમ બનીએ? હમણાં છેલ્લે છેલ્લે સેમ્પલો લેવાયા અંગેની માહિતી હોય કે કોરોના પોઝિટિવ દર્દીઓ અંગેની જાણકારી હોય તંત્ર દ્વારા પુરી માહિતી જ અપાતી નથી.

જો, નવા દર્દીઓ બહારના આવેલા છે, કે સ્થાનિકના રહેવાસી હોય તે વિશે જાણકારી અપાતી નથી. પરિણામે સ્થાનિકે સંક્રમિત થયેલાઓ અંગે લોકોમાં પણ જાગૃતિનો અભાવ વર્તાય છે. લોકોને પણ સરકારની સંવેદનશીલતાનો અહેસાસ ત્યારે જ થશે કે જયારે તંત્ર બાબુશાહી મૂકીને લોકોમાં તેમની લેવાતી કાળજીનો અને પારદર્શક કામગીરીનો વિશ્વાસ જગાવી શકશે.

(12:03 pm IST)