Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

કાલે વિજયભાઇ દ્વારકા અને જુનાગઢ જીલ્લાની મુલાકાતે

ધર્મોત્સવમાં ઉપસ્થિતિ : સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યોનું નિરીક્ષણ

જુનાગઢના વાડલા ગામની મુલાકાત સંદર્ભે મીટીંગ :  જુનાગઢ : જૂનાગઢ જિલ્લાનાં વંથલી તાબાનાં વાડલા ગામે કાલે સવારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી કાર્યનું નીરીક્ષણ કરવા અને જિલ્લાના જળ અભિયાનમાં શ્રમદાન કરનારા ખેડૂતો અને લોકસંસ્થાઓને પ્રોત્સાહિત કરવા પધારી રહ્યા છે, ત્યારે કલેકટરશ્રીએ મુખ્યમંત્રીશ્રી ના કાર્યક્રમ સાથે સંકળાયેલ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં પ્રાંત અધિકારી જેઠવા, શાપુરનાં અગ્રણી ટીનુભાઇ ફળદુ, વાડલાનાં સરપંચશ્રી, સીંચાઇ વિભાગનાં કાર્યપાલક ઈજનેરશ્રી, સહિત વિવિધ વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.(અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

દ્વારકા-જુનાગઢ, તા. ર૩ :  કાલે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારકા અને જુનાગઢ જીલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. જેથી તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

દ્વારકા

રાજયના મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી દ્વારકાની મુલાકાતે આવી રહ્યા હોય તેમની દ્વારકા મુલાકાતને અનુલક્ષીને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે.

સી.એમ.ની દ્વારકા વીઝીટ સમયે એસ.પી. -૧, ડીવાય, એસ.પી. પ, પીઆઇ. -૯, પી.એસ.આઇ. -૩૭ તેમજ ૩૭૦ જેટલા પોલીસના જવાનો સહિતના અન્ય સુરક્ષાકર્મીઓનો સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવાવમાં આવનાર છે.

જુનાગઢ

 જુનાગઢઃ ચોમાસાની ઋતુના વરસાદી નીરનાં ટીપે-ટીપાને સંગ્રહીત કરી ભુગર્ભ જળસ્ત્રાવને સજીવન કરવા જૂનાગઢ જિલ્લામાં ઠેકઠેકાણે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત કામો થઇ રહ્યા છે. લોકો પણ હોંશે–હોંશે જળસંચય અભિયાનમાં લોકભાગીદારી નોંધાવી રહ્યા છે, ત્યારે વંથલી તાલુકાનું વાડલા ગામ કેમ જળસંચય કામથી અળગુ રહે? તેવી વાત ગામનાં સરપંચે જણાવી ઉમેર્યુ હતુ કે અમારા ગામનાં પાદરમાં મસમોટુ તળાવ છે અને નાના-મોટા ચેકડેમ પણ છે. પણ વર્ષોથી વરસાદી નીર સાથે ખેંચાઇ આવતી માટીથી તળાવ અને ચેકડેમની પાણી ભરાવાની ક્ષમતા ઓછી થઇ હતી. ત્યાં જ રાજયનાં મુખ્યમંત્રીશ્રીએ કુદરતની અણમોલ ભેટ વરસાદી જળરાશીને પાત્રાંકન કરી ભુગર્ભની જળસપાટીને ઊંચી લાવવા જળસંચય અભિયાનની કામગીરી સુજલામ સુફલામ જળસંચય અભિયાન દ્વારા આરંભી અને આ જનઆંદોલનમાં અમારૂ ગામ પણ સહભાગી બન્યુ છે.

ગુજરાતમાં ચાલી રહેલા દેશના સૌથી મોટા જળ સિંચન અભિયાનમાં લોકો પ્રચંડ પ્રતિસાદ સાથે જોડાતા સુજલામ સુફલામ જળ અભિયાન જન અભિયાન બની ગયું છે.પાણીનો દુકાળ ભુતકાળ બનાવવા લોક શકિત પુરૂષાર્થ કરી રહી છે. રાજય સરકારના આ કલ્યાણકારી અભિયાનમાં જૂનાગઢ જિલ્લો પણ હોંશભેર જોડાયો છે. જિલ્લાના વંથલી તાલુકાનું વાડલા ગામ સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતાનું સાક્ષી બન્યું છે.

 વાડલા ગામે ચાલતા જળ અભિયાનના કામનું નિરક્ષણ કરવા અને જિલ્લાના જળ અભિયાનમાં શ્રમદાન કરનારા ખેડૂતો અને લોકસંસ્થાઓને માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પ્રોત્સાહિત કરવા તા.૨૪-૫-૨૦૧૮ના રોજ વાડલા ગામે પધારી રહ્યા છે.મુખ્યમંત્રીશ્રી વાડલા ગામે આવનાર હોય જળ અભિયાનમાં જોડાયેલા ખેડુતોએ આ જળ અભિયાનને જન અભિયાન બનાવી દીધું છે. લોકોના મુખ પર સરકાર પ્રત્યે દ્રઢ વિશ્વાસ સાથે સંતોષની ઝલક જોવા મળે છે.

 વાડલા ગામનાં પાદરમાં આવેલા તળાવને ઉંડુ ઉતારવાની કામગીરી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવી છે. હાલ તળાવને ઉંડુ કરવાની કામગીરીમાં ચાર જેસીબી, ૧૮ ટ્રેકટર, ૧૫ ડમ્પર સહિતની મશીનરી કામે લાગી છે. કુલ ૩૫૦૦૦ દ્યન મીટર ફળદ્રુપ માટી કાઢવાનું આયોજન છે તેમાંથી ૧૮૦૦૦ દ્યનમીટર માટી અત્યાર સુધીમાં કાઢવામાં આવી છે, સર્વેનંબર-૩૧નાં તળાવનો કેચેમેન્ટ એરીયા ૨૯.૯૯ સ્વેર કીલોમીટર હોય  જેમાં ૪.૬૯ એમ.સી.એ.ટી જળસંગ્રહની ક્ષમતા છે. તળાવ નવસાધ્ય બનતા તેમાં ૧.૨ એમ.સી.એફ.ટી જળસંગ્રહશકિતનો વધારો થશે, તેમ પંચાયત સિંચાઇ વિભાગના ના. કાર્યપાલક ઇજનેર શ્રી પ્રદિપ સાદરાણીએ જણાવ્યું હતું, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી અને જિલ્લાના અધિકારીઓએ વાડલા ગામે ચાલતા જળ અભિયાનના કામની મુલાકાત લઇ કામગીરી વેગવંતી બને તે માટે માર્ગદર્શન આપ્યું છે.

(12:00 pm IST)