Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

જામજોધપુરના ગઢકડામાં સરપંચના ભાઇની હત્યા

હથિયારોનાં ઘા ઝીંકી દેતા ગંભીર ઇજા બાદ મુસ્તાક ઓસમાણ સફીયાનું સવારે મોત થતા બનાવ હત્યામાં પલ્ટાયોઃ ગ્રામ પંચાયતની ચૂંટણી અને જમીન મુદ્દે બઘડાટી

તસ્વીરમાં જામનગર જી.જી. હોસ્પિટલમાં સરપંચના ભાઇને સારવાર માટે ખસેડાયા હતા.

જામનગર-જામજોધપુર, તા. ર૩ : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગઢકડા ગામે કાલે બપોરે બે જૂથ વચ્ચે માથાકૂટ થતાં દોડધામ મચી ગઇ છે. સરપંચના ભાઇ તથા સામે પક્ષે અન્ય કોઇ વ્યકિતઓ સાથે ઝઘડો થતાં આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. આ હુમલામાં સરપંચના ભાઇ મુસ્તાક ઓસમાણ ઉપર હથીયારોના ઘા થતા તેને ગંભીર હાલતમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેનું મોત થતાં બનાવ હત્યામાં પલ્ટાયો છે.

પ્રાપ્ત મહિતી મુજબ જામજોધપુર તાલુકાના ગઢકડા ગામના અયુબ યુસુફ સફીયા, મુસ્તાક ઓસમાણ સફીયા, તેમજ વલ્લભભાઇ વાણંદ વાડીએ જતાં હતાં ત્યારે ગઇકાલે ૧૧-૩૦ કલાકે ગઢકડા વાડી વિસ્તારમાં જ રહેતા અને ગ્રામ પંચાયતની સરપંચ પદની ચૂંટણીનો ખાર રાખી તેમજ જમીનના મુદે અસરફ યુસુફ સફીયા, ઇમ્તીયાઝ યુસુફ સફીયા, અસલમ યુસુફ સફીયા, એઝાઝ દાઉદ સફીયા, ઇબ્રાહીમ વલીમામદ સફીયા, અબ્બાસ સબીર વલીમામદ સફીયા, સાહીલ વલીમામદ સફીયા, અઝરૂદીન વલીમામદ સફીયા, ઇરફાન યુસુફ સફીયા, તથા અન્ય બે અજાણ્યા શખ્સો કુલ ૧ર શખ્સો દ્વારા રિવોલ્વર પાઇપ લાકડી છરી વડે તેમજ સ્પ્રે ફુવારા છાંટી હુમલો કરતા અને ગંભીર ઇજા થતા અયુબ યુસુફ વલ્લભ વાણંદ તથા મુસ્તાક ઓસમાણને જામનગર જી.જી. હોસ્પિટલમાં ખસેડેલ. ત્યારે પોલીસે કલમ ૧૪૩, ૧૧૪ ૧૪૭,૧૪૮, ૩ર૯, ૩રપ, ૩ર૮ આર્મસ ૧રપ મુજબ ગુન્હો દાખલ કરેલ હતો. જયારે આ બનાવ બાદ મુસ્તાક ઓસમાણ સફીયાને વધુ પડતું લાગી આવેલ હોય ગંભીર ઇજાઓ થતાં તેમનું સારવાર દરમ્યાન સવારે પ કલાકે મૃત્યુ થવા પામેલ છે તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે. જયારે વલ્લભભાઇ વાણંદ તેમજ અયુબ યુસુફ ઓસમાણને ઇજાઓ થવા પામી છે. મરણજનાર અને ફરીયાદી અયુબ યુસુફ સફીયા વાણંદને લઇ વાડીએ છોકરાવના વાળ કપાવવા જતા હતા.

(11:27 am IST)