Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

વંથલીમાં જાહેરનામા ભંગ સબબ પોલીસે પાંચ શખ્સોને પકડતા પોલીસ સ્ટેશન પાસે ગાળો - ધમકી

મહિલા સહિત ત્રણ ઇસમો સામે પોલીસ કાર્યવાહી કરી

જુનાગઢ તા. ૨૩ : વંથલીમાં જાહેરનામા ભંગ સબબ પોલીસે પાંચ શખ્સોને પકડતા મહિલા સહિત ત્રણ ઇસમોએ પોલીસ સ્ટેશન બહાર પોલીસને ગાળો ભાંડીને ધમકી આપી હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો.

આ અંગેની વિગતો એવી છે કે, કોરોના વાયરસને અટકાવવા માટે જૂનાગઢ કલેકટરે ૧૪૪મી કલમ સહિતનું જાહેરનામુ જારી કર્યું છે. પરંતુ ગઇકાલે વંથલીમાં પીએસઆઇ એન.બી.ચૌહાણે જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાની શરતોના ભંગ સબબ વંથલીનો ફજલ બસીર, રંગુનીયા, મુસ્તાનમીંયા, ઇબ્રાહીમ, માંડા જીણા કોડીયાતર, અશોક હરિ શોભાસણા અને દાઉદ સતાર નાગોરીની અટકાયત કરી હતી.

પરંતુ આ શખ્સો સામેના અટકાયતી પગલા લેવામાં આવતા તૌફિક બસીર રંગુનીયા, તાલીબ બસીર રંગુનીયા અને જમીલાબેન બસીર રંગુનીયા પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા અને પોલીસ મથક બહાર જોરજોરથી રાડો પાડી અપશબ્દો બોલી મહોલ્લાના માણસોને ભેગા કરી પોલીસને જોઇ લેવાની ધમકી આપી હતી.

આમ, પોલીસની ફરજમાં રૂકાવટ કરતા પીએસઆઇ ચૌહાણે મહિલા સહિતના ત્રણ ઇસમો સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:16 pm IST)