Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

લીલી સાજડીયાળીમાં વણકર કેશુભાઇ મકવાણા પર પ્રેમ સંબંધના ડખ્ખામાં ૧૦ જણાનો હુમલોઃ હત્યાનો પ્રયાસ

અગાઉ કેશુભાઇની ભત્રીજી અને સામા પક્ષના પ્રવિણ મકવાણાના દિકરા વચ્ચે પ્રેમસંબંધ હોઇ મનદુઃખ હતું: ખાર રાખી પ્રવિણ, નાથા, મયુર, ચેતન, રમેશ, મુનો, મિલન, અરવિંદ, વિપુલ, જયાબેન છરી-પાઇપથી તૂટી પડ્યા

રાજકોટ તા. ૨૩: સરધાર નજીક લીલી સાજડીયાળીમાં રવિવારે રાતે પ્રેમ સંબંધના જુના મનદુઃખમાં ચમાર વણકર પરિવારના ૧૦ જણાએ મળી વણકર યુવાન પર છરી, પાઇપથી હુમલો કરી તેમજ પથ્થરમારો કરી હત્યાનો પ્રયાસ કરતાં દેકારો મચી ગયો હતો. ઘટનાને પગલે આજીડેમ પોલીસની ટીમ દોડી ગઇ હતી અને કાર્યવાહી કરી હતી.

લીલી સાજડીયાળીમાં રહેતાં કેશુભાઇ ગોરાભાઇ મકવાણા (વણકર) (ઉ.વ.૪૦) રાતે સાડા નવેક વાગ્યે પોતાના ઘર પાસે નાનજીભાઇ હીરાભાઇની દુકાન નજીક હતાં ત્યારે ગામના જ નાથા મેઘાભાઇ મકવાણા, પ્રવિણ નાથાભાઇ મકવાણા, મયુર પવાભાઇ મકવાણા, ચેતન પવાભાઇ મકવાણા, રમેશ મનજીભાઇ મકવાણા, મુના મનજીમાઇ મકવાણા, મિલન રમેશભાઇ મકવાણા, અરવિંદ મોહનભાઇ મકવાણા, વિપુલ નાનજીભાઇ મકવાણા અને જયાબેન મનજીભાઇ મકવાણાએ મંડળી રચી પાઇપ-છરીથી હુમલો કરી પથ્થરમારો કરી ઇજા પહોંચાડી હતી. જેમાં કેશુભાઇને ગંભીર ઇજા પહોંચી હતી તેમજ તેના પુત્રને પણ ઇજા થઇ હતી.

ગંભીર હાલતમાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં આજીડેમ પીઆઇ વી. જે. ચાવડા, પીએઅસાઇ જી.એન. વાઘેલા, કાળુભાઇ ગામેતી, ભરતસિંહ, સ્મીતભાઇ સહિતે કેશુભાઇની ફરિયાદ પરથી ઉપરોકત ૧૦ જણા વિરૂધ્ધ આઇપીસી ૩૦૭, ૩૩૭, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ મુજબ રાયોટીંગ-હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો.

કેશુભાઇ છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે, તેના કહેવા મજુબ પોતાના કુટુંબની એક દિકરી સાથે સામે પક્ષના પ્રવિણભાઇના પુત્ર મયુર સાથેના પ્રેમ સંબંધને કારણે અગાઉ માથાકૂટ થઇ હોઇ તેનું મનદુઃખ ચાલતું હતું૦. જેનો ખાર રાખી પોતાના પર દસ જણાએ સશસ્ત્ર હુમલો કર્યો હતો.

સામાપક્ષે ૩ને ઇજા

બઘડાટીમાં સામા પક્ષના જયાબેન મનુભાઇ મકવાણા (ઉ.વ. ૬૦), પ્રવિણભાઇ નાથાભાઇ મકવાણા (ઉ.વ. ૪૫) તથા લક્ષ્મણ નાનજીભાઇ મકવાણા (ઉ.વ. ૨૫)ને પણ ઇજા થતાં સિવિલમાં ખસેડાયા હતા. આ લોકોએ પોતાના પર કેશુભાઇ ગોરધનભાઇ, જયસુખભાઇ કેશુભાઇ તથા તેમની સાથેના લોકોએ હુમલો કર્યાનું જણાવતા તેની એન્ટ્રી હોસ્પિટલ ચોકીના રજુભાઇ ગીડા અને રવિભાઇએ આજીડેમ પોલીસમથકમાં નોંધાવી હતી.

(12:00 pm IST)