Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

ચિંતાવાળા સમાચાર...

૨૭મી સુધી છુટાછવાયા સ્થળોએ માવઠાનો દોર ચાલુ રહેશે

આજથી તાપમાન ઉંચુ રહેશે, વાદળો છવાશે : રોગચાળો વધુ વકરે તેવી શકયતા

રાજકોટ, તા. ૨૩ : કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે વધુ એક ચિંતાવાળા સમાચાર આવ્યા છે. આગામી ૨૭મી માર્ચ સુધી છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી થઈ છે. માવઠાની ભીતિના લીધે રોગચાળો વધે તેવી સંભાવના છે.

હવામાન શાસ્ત્રીઓએ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તળે સૌરાષ્ટ્ર - ગુજરાતમાં પણ કોઈ- કોઈ સ્થળોએ છાંટાછુટીથી માંડી હળવા વરસાદની શકયતા છે. ખાસ કરીને રાજસ્થાનને લાગુ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની વધુ સંભાવના રહેલી છે.

નોંધનીય છે કે બે દિવસ પહેલા અંબાજી મુકામે પણ વરસાદ પડ્યો હતો. તા.૨૫ થી ૨૭ માર્ચ દરમિયાન એકાદ દિવસ કમોસમી વરસાદ પડશે. ગુજરાતમાં આગામી ૨૭મી સુધી છુટાછવાયા સ્થળોએ માવઠાનો દોર જારી રહેશે.

એક તરફ કોરોનાનો આતંક જોવા મળી રહ્યો છે તો બીજી તરફ કમોસમી વરસાદના પગલે રોગચાળાની ભીતિ દર્શાવાઈ રહી છે.

(11:42 am IST)