Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

માં આશાપુરા ધામ કચ્છ ખાતે કાલે હોમાદિક ક્રિયા ઉત્સવ : રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી બીડુ હોમશે

રાજકોટ : ભારતીય સંસ્કૃતિમાં શકિત ઉપાસનાનું સ્થાન અલૌકીક, અનોખુ અને અજોડ છે. માતાના મઢમાં માં આશાપુરા શકિત પીઠ ખાતે આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. માં આશાપુરાનું ૧૯મી સદીનું ભવ્ય તિર્થધામ છે. સૌરાષ્ટ્ર-ગુજરાત, મહારાષ્ટ્રમાંથી ભાવિકો પગપાળા, સાયકલ દ્વારા વિશાળ સંખ્યામાં માતાજીના ગુણ ગાતા માં આશાપુરા ઉપર અપાર શ્રદ્ધા અને વિશ્વાસુ સાથે ચરણસ્પર્શ કરવા આવે છે.

ભારતની ૧૦૮ શકિત પીઠોમાં માતાના મઢની ગણના થાય છે. માં આશાપુરાનું મંદિર ઉપર બાવન ગજની વિશાળ ધજા છે. નિજ મંદિરમાં વિશાળ ઘંટ છે. મુખ્ય મંદિર પ૮ ફુટ અને ૩ર ફુટ પહોળુ છે. માં આશાપુરાની વિશાળ કદની ૬ ફુટની મૂર્તિ છે. નીજ મંદિરમાં નવદુર્ગા માતાજીની મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. માં આશાપુરા મઢ ખાતે હોમાદિક ક્રિયાનું અતિ ભારે મહત્વ છે. લાખોની સંખ્યામાં માની માનેલ માનતા અને શ્રદ્ધા અને આસ્થા સાથે ભાવિકો દર્શન કરવા આવે છે.

કાલે ચૈત્રી સુદ-૭, શનિવાર, તા. ર૪ના રાત્રીના ૯ કલાકે રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજીના અધ્યક્ષસ્થાને ગૌર મહારાજશ્રી દેવક્રિષ્ણ મુળશંકર જોષી તેમજ આમંત્રિત મહેમાનો માઇભકતોની ઉપસ્થિતિમાં હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. હોમાદિક ક્રિયા વિધિ સમયે દરેક દેવતાઓને આહવાન આપી ફળ, ફુલોથી હોમાદિક ક્રિયામાં આહુતિ આપવામાં આવશે. આ સમયે ચંડીપાઠ, શ્લોક, સંક્રાતિપાઠ, માના ગરબા ગણાવશે. મધ્યરાત્રીએ રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી રાત્રીના ૧-૧પ કલાકે ઉગતી આઠમે હવનમાં બીડુ હોમશે.

ઉલ્લેખનીય છે કે માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા ભાવિકોને વિનામૂલ્યે જમવા તથા રહેવાની સગવડ પૂરી પાડવામાં આવે છે. નવરાત્રી સમય દરમ્યાન દરેક ભાવિકો માતાજીના દર્શન શાંતિથી થાય તેવી વ્યવસ્થા સ્થાનિક ભાવિકો, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડઝ જવાનો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. નવરાત્રીમાં શ્રીફળ વધેરવાની મનાઇ હોય છે.

સંકલન : વિનોદભાઇ પોપટ

મો. ૯૯૭૯૯ ૦૭ર૧૮

(12:03 pm IST)