Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

જસદણનાં કોળી પ્રૌઢની હત્યામાં સામેલ યુનુસ મોરબી હોસ્પીટલમાં દાખલઃ અન્ય બે આરોપી પોલીસના સકંજામાં

હત્યામાં યુનુસ સાથે આબીદ તથા પરપ્રાંતીય વિકલ નામનો શખ્સ હોવાનું ખુલ્યું

રાજકોટ, તા. ૨૩ :. જસદણના કુંદણી ગામે માછીમારી પ્રશ્ને નિર્દોષ ખેડૂત ગાંડુભાઈ કોળીની છરીના ઘા ઝીંકી હત્યાના બનાવમાં ત્રણેય આરોપીઓ પોલીસના સકંજામાં સડાઈ ગયા છે. મુખ્ય આરોપી મોરબી હોસ્પીટલમાં સારવાર હેઠળ હોય ત્યાં પોલીસ જાપ્તો મુકી દેવાયો છે.

જસદણના કુંદણી ગામે નિર્દોષ ખેડૂત ગાંડુભાઈ કોળીની હત્યા થતા જસદણ સરકારી હોસ્પીટલે કોળી સમાજના આગેવાનો ઉમટી પડયા હતા. કોળી સમાજના આગેવાન પોપટભાઈ રાજપરાએ નિર્દોષ ગાંડુભાઈ કોળીના હત્યારાઓ ન પકડાઈ તોે જસદણ અને વિંછીયા બંધનું એલાનની ચીમકી આપેલ હતી. તેમજ પરિવારજનોએ પણ આરોપી ન પકડાઈ ત્યાં સુધી મૃતક ગાંડુભાઈની લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.

દરમિયાન કોેળી પ્રૌઢની હત્યામાં સામેલ યુનુસ રહીમભાઈ મીંયાણા નામનો આરોપી ગંભીર ઈજા સાથે મોરબી હોસ્પીટલમાં દાખલ થતા અને આ અંગે સ્થાનિક પોલીસે રૂરલ પોલીસને જાણ કરતા હોસ્પીટલમાં આરોપી પર પોલીસ જાપ્તો મુકી દેવાયો છે. બીજી બાજુ આરોપી પકડાઈ જતા કોળી સમાજના આગેવાન અને ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાની મધ્યસ્થીથી મૃતક ગાંડુભાઈની લાશ સ્વીકારી લઈ અંતિમવિધિ કરાય હતી.

હત્યામાં યુનુસ સાથે સામેલ આબીદ તથા વિકલ નામનો પરપ્રાંતીય શખ્સને પણ પોલીસે ઝડપી લીધા છે.

(11:43 am IST)