Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

તા.૨૭ના ઢેબરા તેરસઃ પાલીતાણા છ ગાંઉ યાત્રામાં લાખો ભાવિકો ઉમટી પડશે

શેતુંજય પર્વત ઉપર કુલ સાડા ત્રણ હજાર પગથીયાઃ ૧૨૫૦ નાના-મોટા દેરાસરોઃ કુલ ૯૭ પાલમાં પિરસાસે શુધ્ધ જૈન વાનગીઓઃ ચૂસ્ત પોલીસ બંદોબસ્તઃ આણંદજી કલ્યાજીની પેઢી દ્વારા સુંદર આયોજન એસ.ટી.ની ૫૦ બસ દોડશે

રાજકોટ, તા.૨૩: જૈન સમાજમાં વિશેષ મહત્વ ધરાવતી શેતૂંજય તિર્થની છ ગાંઉ યાત્રાનો પ્રારંભ પાલીતાણા ખાતે તા.૨૭ને મંગળવારે વહેલી પરોઢે શરૂ થશે. ઢેબરા તેરસ તરીકે ઉજવાતી આ યાત્રામાં લાખો જૈન- જૈનેતરો તેમજ વિદેશી ભાવિકો જોડાશે. ફકત રાજકોટ શહેરમાંથી જ અંદાજીત ૩૫ થી ૪૦ લકઝરી બસો દ્વારા યાત્રાળુઓ પાલીતાણા પહોંચશે.

સમગ્ર જૈન સમાજમાં પાલીતાણા છ ગાઉ યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. એક લોકવાયકા મુજબ આજના ફાગણ શુદ ૧૩ના શુભ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના પુત્રો શામ્બ અને પ્રદ્યુમન સાડા આઠ કરોડ મુનિઓ સાથે અનશન કરીને પાલીતાણા પર્વત ઉપર છ ગાઉની પ્રદિક્ષણા કરીને 'મોક્ષ' પદને પામ્યા હતાં. શેતુંજય પર્વત ઉપર ૩૫૦૦ પગથીયા ચડીને ફકત આજના દિવસે જ ખુલ્લો રહેતો કેડી રસ્તો પસાર કરી, આદેશ્વર દાદાના પક્ષાલનું જલ જે  કુંડમાં આવે છે ત્યાં દર્શન કરી, ત્યાંથી અજીતનાથસ્વામી અને શાંતિનાથસ્વામીની ડેરીએ દર્શન કરી યાત્રાળુઓ શાંતિ સ્ત્રોત્રનું સ્મરણ કરે છે. ત્યારબાદ ચંદન તલાવડીએ યાત્રાળુુઓ પહોંચી ઉકાળેલા પાણીનું સેવન કરી, આદપૂર ગામે પાલમાં પહોંચશે. રસ્તામાં ઠેર- ઠેર પાણીની વ્યવસ્થા, બંદોબસ્ત, મેડીકલ સહાય, કોલનવોટરના નેપકીનો, પાણીના ફુવારા વિ.વ્યવસ્થા શેઠ  શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા કરવામાં આવી છે.

કુલ ૩૫ ડોમમાં યાત્રાળુઓનું આગમન પગના અંગૂઠા ધોઈને બહુમાન કરી, કુમકુમ તિલક કરી, સિકકા દ્વારા બહુમાન કરવામાં આવે છે. લાઈનસર અંદાજીત ૫૦ થી ૬૦ પ્રભાવના (સિકકા) આપવામાં આવે છે, જે યાત્રાળુઓ આ રકમ ગૌશાળાની વિવિધ પેટીઓમાં દાન કરી દે છે.

રાજકોટ શહેરમાંથી જ અંદાજીત ૩૫ થી ૪૦ ખાનગી બસો પાલીતાણાની યાત્રામાં જોડાશે. છેલ્લા ૩૫ વરસ થયા એટલે કે ૧૯૮૩ની સાલથી સતત દર વરસે ૪ થી ૫ બસોમાં જૈન તથા જૈનેતર ભાવિકોને યાત્રા કરાવતા જૈન જાગૃતિ સેન્ટરના પૂર્વ પ્રમુખ તથા લાખાજીરાજ મરચન્ટ એસો.ના પ્રમુખ જૈન શ્રેષ્ઠી મહેશભાઈ મહેતાનું આણંદજી કલ્યાણજી શેઠની પેઢી દ્વારા દર વરસે બહુમાન સન્માન કરી શાલ ઓઢાડવામાં આવે છે. પેઢીનું ન્યુઝ રિર્પોટીંગ મહેશભાઈ દ્વારા જ થાય છે.

આ વખતે ફાગણશુદ ૧૩નો ક્ષય હોવાથી, આ.ક.પેઢી તરફથી તા.૨૭ને મંગળવારે યાત્રાનું ભવ્ય આયોજન ૯૭ પાકા પાલ સાથે થયેલ છે. તા.૨૮ને બુધવારે બે તીથી વાળા ફકત ત્રણ જ પાલ હશે.

તા.૨૭ને મંગળવારે પાલમાં શુધ્ધ જૈન વાનગીઓમાં, ચા- દૂધ- કોફી, તજ- લવીંગનો ઉકાળો, વરિયાળીનું શરબત, ઢેબરા, પૂરી, થેપલા, દહિં, રાજસ્થાનની લચ્છી, ખાખરા, સેવ- ગાંઠીયા, લીલી કાળી અંગૂર, તરબુચ, વિ.વ્યંજનો સાથે દરેક પાલમાં યાત્રાળુઓને આગ્રહપૂર્વક આમંત્રીત કરી, પૂરેપૂરા આતિથ્યભાવથી બેસાડીને પિરસવામાં આવે છે.

શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટી શ્રીપાલભાઈ, સચિનભાઈ, સુદિપભાઈ શેઠ, અમદાવાદના જનરલ મેનેજર હર્ષદભાઈ મહેતા, પંચાલ સાહેબ, અશ્વિનભાઈ શાહ, મનુભાઈ શાહ વિ.સ્ટાફગણ જહેમત ઉઠાવી રહેલ છે. પોલીસ બંદોબસ્તમાં ડી.વાય.એસ.પી. માંજરીયા, કલેકટર, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, એસ.ટી.તંત્રની ૫૦ થી વધુ બસની સેવા, ડોકટરોની ટીમ, ફીઝીયોપેથીરાપીસ્ટ, એમ્બ્યુલન્સ સેવા વિ.વ્યવસ્થા ગોઠવાયેલ છે.

યાત્રાળુઓને આરામ માટે પાલના સ્થળે વિશાળ મોટા ડોમ ગાદલા- પંખા સાથે ઉભા કરાયેલ છે. પાલના સ્થળે આદપૂરમાં દહેરાસરમાં પૂજા કરવા માટે સ્નાન- નવા કપડાની પૂજાની જોડની પણ વ્યવસ્થા કરાયેલ છે.

શેતુંજય પર્વત ઉપર ૩૫૦૦ પગથીયા ચડી, આદેશ્વર દાદાના દરબારમાં દર્શન- સેવાપૂજા, નાના- મોટા અંદાજીત ૧૨૫૦ દહેરાસના દર્શનનો લાભ, સંઘપૂજનનો લાભ, સાથે આતિથ્યભાવના માણવા સમગ્ર દેશમાંથી લાખો ભાવિકો ઉમટી પડશે. એકાસણા, આયંબિલ અને ગરમ (ઉકાળેલા) પાણીના પણ અલગ પાલ રાખેલ છે.

કુલ ૯૭ પાકા પાલમાં, શિહોર, જેસર, ભાવનગર, વડોદરા, મુંબઈ, રાજકોટ, વઢવાણ, નોંધણવદર, અમદાવાદ, પાલનપુર, ખંભાત, વલસાડ, સુરેન્દ્રનગર, લીંબડી, દિહોર, સૂરત, ડભોઈ, બેચરાજી ઘેટી, લતીપુર વિ.સેન્ટરો કાયમી પાલના સદસ્યો છે. આ બધા જ સેન્ટરોમાંથી સેવાભાવી સંસ્થાઓ અને યાત્રાળુઓ શ્રધ્ધા સાથે આવતા હોય છે. અહિંની આતિથ્ય ભાવના પામવીએ પણ જીંદગીનો એક મોટો લ્હાવો છે.

અહેવાલઃ મહેશભાઈ મહેતા (રાજકોટ)

મો.૯૮૨૪૨ ૪૪૫૫૦

પાલીતાણા છ ગાંવ યાત્રામાં જવાની વ્યવસ્થા

રાજકોટઃ જૈન શ્રધ્ધા સોસાયટીના પ્રમુખ મહેશભાઈ મહેતાની યાદીમાં જણાવ્યા મુજબ, પાલીતાણા છ ગાઉ યાત્રા તા.૨૭ને મંગળવારે છે. યાત્રાળુઓને લકઝરી બસમાં ટોકન ભાવથી યાત્રા કરવા માટે પોતાના નામ કુમારીકા શો રૂમ (ફોનઃ૨૨૨૬૨૦૨/ મો.૯૮૨૪૨ ૪૪૫૫૦) લાખાજીરાજ રોડ, મહેતા ટાઈપ બિલ્ડીંગ, રાજદિપ કોલ્ડ્રીંકસ સામે, રાજકોટ ખાતે લખાવી આપવા. રાજકોટથી સોમવારે ઉપડતી તમામ લકઝરી બસો રાત્રે ૧૦:૩૦ આસપાસ નિકળશે અને મંગળવારે રાત્રે પરત આવશે.

(11:40 am IST)