Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ભાવનગરમાં વિદ્યાર્થીએ અપહરણ થયાનું જણાવીને પોલીસને દોડાવીઃ પરીક્ષામાં નાપાસની બીકથી નાસી ગયેલ

ભાવનગર, તા. ૨૩ :. ધો. ૯મા અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાનું અપહરણ થયાની પોલીસને જાણ કરી પોલીસને ધંધે લગાડી હતી. અંતે તેને કબુલ્યુ હતુ કે પરીક્ષામાં નાપાસ થવાની બીક હોય તે બગદાણા ચાલ્યો ગયો હતો.

ભાવનગરના સિહોરમાં રહેતા અને મહાલક્ષ્મી મેટલ નામની વાસણની દુકાન ધરાવતા રજનીકાંતભાઈ ડાયાભાઈ સોલંકીનો પુત્ર હાર્દિક (ઉ.વ.૧૫) ભાવનગર શહેરથી સિલ્વર બેલ્સ સ્કૂલમાં ધો. ૯ અંગ્રેજી મીડીયમમાં અભ્યાસ કરે છે અને તે કાળીયાબીડ વિસ્તારમાં શિવમ એપાર્ટમેન્ટમાં રહે છે.

આ વિદ્યાર્થી હાર્દિક ટયુશને જવાનું કહી પોતાનું પ્લેઝર સ્કૂટર લઈ નિકળ્યો હતો અને તેના મોબાઈલ ફોનમાંથી પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો કે તેનુ અપહરણ થયુ છે. આ ફોનને પગલે ભાવનગર પોલીસ કાળીયાબીડ દોડી ગઈ હતી અને શહેરમાં નાકાબંધી કરી સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા.

આ બનાવ અંગે હાર્દિકના પિતા રજનીકાંત સોલંકીએ એડીવીઝન પોલીસ સ્ટેશનમા તેના પુત્રના અપહરણની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે શોધખોળ કરી દોડધામ કરી હતી. અંતે સવારે ૬ વાગે હાર્દિક પોતેજ ભાવનગર આવી ગયો હતો.

ભાવનગર આવ્યા બાદ પ્રથમ તો હાર્દિકે પોતાનું અપહરણ જ થયુ હોવાની વાર્તા કરી હતી પરંતુ પોલીસની આગવી ઢબે પુછપરછ બાદ તેને કબુલ્યુ હતુ કે તે પરીક્ષામાં નાપાસ થવાના ડરથી તેને અપહરણની વાત કરી પોતે બગદાણા ચાલ્યો ગયો હતો. અને પાછળથી ઘરબાર વગર શું થશે તે સમજાતા અંતે તે પરત આવી ગયો હતો આમ આ વિદ્યાર્થીએ પરિવાર અને પોલીસને ધંધે લગાડી દીધા હતા.

(11:38 am IST)