Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

મોરબી તાલુકાનાં થોરાળા ગામનાં પીવાના પાણીના સમ્પમાંથી મૃત કબુતર મળતા આરોગ્ય ઉપર ખતરો

ચાંચાપર તા.ર૩: મોરબી તાલુકાના ચાંચાપરથી ખાનપર ગામ સુધીની ૬ કીલોમીટરની ડામરપટ્ટી સડક પર બંન્ને બાજુ ગાંડા બાવળનાં ઝુંડ જામ્યા છે. જે વાહનચાલકોને પરેશાનરૂપ બન્યા હોવાનું જાણવા મળે છે. એક તો સાંકડી પટ્ટી રૂપ રોડ છે વળી અડધો રસ્તો ગાંડા બાવળના ઝુંડ રોકે છે. જેથી સામેથી આવતા-જતા વાહનોનો અકૈમાત હાથ-વેંતમાં થઇ જતા હોવાનો ભય સેવાઇ રહ્યો છે. ગત વર્ષે જિલ્લા પંચાયતે ગાંડા બાવળના ઝુંડને કપાવેલ. ચાલુ વર્ષે અવાર નવારની માગણી છતાં તંત્ર ધ્યાન આપતું નથી. તંત્ર શું અકસ્માતોની હારમાળા સર્જાય તેની રાહ જોઇ રહ્યું છે કે શું ? તેવી ચર્ચા ગ્રામજનોમાં થતી સંભળાય છે.

થોરાળા ગામના પાદરમાં જનતાને પીવાના પાણીનો સમ્પ આવેલ છે. આ સમ્પના કુવામાંથી પાઇપલાઇન દ્વારા થોરાળા ગામનાં ગ્રામજનોને ઘેર ઘેર નળ કનેકશન દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે. તેમાં છેલ્લા ચારેક દિવસથી અંબાણી નાનજીભાઇ રવજીભાઇના ઘર પાસેથી નીકળતી પાણીની પાઇપલાઇનમાં પાણી આવતું નહીં હોવાથી લતાવાસીઓએ પાણીની લાઇન તોડી જયાં જુવે ત્યાં લાઇનમાં સલવાઇ ગયેલા મૃત કબુતરો મળ્યા હતા. આવું પાણી પીવાથી થોરાળા ગામની બે-ત્રણ વ્યકિતને રાતોરાત દવાખાનામાં દાખલ કરાયેલ છે.

આ થોરાળા ગામના સમ્પના કુવામાંથી આસપાસના ૮-૧૦ ગામડાને પાણી પુરૂ પાડવામાં આવે છે. વળી થોરાળા ગામના સમ્પના કુવા પર પાણી વિતરણ કરવા માટે પાણી પુરવઠા ખાતાના બે-ત્રણ નોકરીયાતો પાણી પુરવઠા ખાતાએ રાખેલ છે. છતાં કોની બેદરકારીથી ગ્રામજનોને તેમજ ગામડાઓને આવું પાણી ધાબડવામાં આવે છે ? તેવો પ્રશ્ન ગ્રામજનોમાં ઉભો થયો છે.

(11:33 am IST)