Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

લોધીકાના નગર પીપળીયા પાસે દ્વારકા જતા પદયાત્રીકો માટે જય રામદવજી મહાદેવ મંદિર અન્નક્ષેત્ર દ્વારા આરામ-છાવણી

લોધીકા, તા., ર૩: દ્વારકા મુકામે ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા જતા પદયાત્રીઓ માટે રાજકોટ-કાલાવડ હાઇવે પર નગર પીપળીયાના પાટીયા પાસે જય રામદેવજી મહાદેવ મંદિર અન્નક્ષેત્ર દ્વારા આરામ છાવણી ઉભી કરવામાં આવેલ છે જયા ર૪ કલાક પદયાત્રીઓની સેવા-સુશ્રુસા કરવામાં આવે છે.

દર વર્ષે હજારોની સંખ્યામાં ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા દ્વારકા જતા પદયાત્રીઓ આ રોડ પરથી પસાર થાય છે. ત્યારે અગાઉ આ વિસ્તારમાં રાહત છાવણી ન હોય નગર પીપળીયાના રહીશ અને શ્રી કન્યા હાઇસ્કુલ-ચાંદલીમાં સામાન્ય પટાવાળાની નોકરી કરતા પ્રવિણભાઇ કેશાભાઇ હરસોડાને પ્રથમ વિચાર આવ્યો કે અહી આસપાસ રાહત છાવણી ઉભી થાય તો પદયાત્રીઓને ભોજન-નાસ્તો-આરામ મળી શકે અને આમ તેમના હ્ય્દયમાં સેવાનો દરીયો ઘુઘવ્યો બાદમાં વાળાધરી ગામે આનંદી આશ્રમના રાજુરામ બાપુની પ્રેરણા અને આશીર્વાદથી પ્રથમ નાના પાયે પ્રવીણભાઇ એ સ્વખર્ચે શરૂ કરેલ નાની એવી રાવટી આજે વિશાળ સમીયાણામાં પલટાઇ ગઇ છે.

અહીથી પસાર થતા પદયાત્રીઓમાં આ છાવણી લોકપ્રિય બની ગયેલ છે. તેઓ અહી વિસામો લે છે. રાત્રી રોકાણ કરે છે અહી પદયાત્રીઓને પુરતી સુવિધા પુરી પાડવામાં આવે છે. સતત ર૪ કલાક અન્નક્ષેત્ર ધમધમે છે. ભાત-ભાતની વાનગી મિષ્ઠાન પીરસવામાં આવે છે. ચા-દુધ-કોફી નાસ્તો મળે છે. પદયાત્રાઓને સ્નાનની સુવિધા આરામની સુવિધા થાય છે મેડીકલ સુવિધા પણ મળી રહે છે.

શુન્યમાંથી સર્જન જેવા સાત વર્ષથી શરૂ થયેલ નાના સેવા કાર્ય આજે વટવૃક્ષ સમાન બની ગયેલ છે. કોઇ પણ ફંડફાળા વગર ચાલતા આ સેવાયજ્ઞમાં નગર પીપળીયા, આણંદપર, પીપરડી, નાના વડારા, પીપર સહીતના ગ્રામનો સ્વયંભુ સહકાર સાંપડી રહેલ છે. સેવા કરવા લોકો હોંશે હોંશે આવે છે અને ટુકડો અને હરી ઢુકડો કહેવતને સાર્થક કરે છે. નાનો માણસ ધારે તો શું કરી શકે તે પ્રવીણભાઇ હરસોડાએ એકલપંડે શરૂ કરેલ રાહત-છાવણી અહીથી પસાર થતા પદયાત્રીઓ માટે સેવાનું માધ્યમ બની ગયેલ છે. આ સેવાયજ્ઞમાં કલાવડના પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ હરીભાઇ જેસડીયા, ચાંદલી કન્યા છાત્રાલયના મેનેજીંગ ટ્રસ્ટી છગનભાઇ મોરડ, મનસુખભાઇ જેસડીયા, રાજકોટ ડેરીના ડીરેકટર સુરેશભાઇ વસોયા, પ્રવિણસિંહ પરમાર, લાલજીભાઇ તળાવીયા, પરસોતમભાઇ હરસોડા, ભીખાભાઇ જેસડીયા, ઉમેશભાઇ ગોરસીયા, કારૂભાઇ સાવલીયા, જેન્તીભાઇ હરસોડા, ગુલાબભાઇ સંધી, હરસુખભાઇ પાંભર, વલ્લભભાઇ ગોરસીયા, વાલજીભાઇ પાંભર, જીવરાજભાઇ સાવલીયા વિગેરે સહયોગ આપી રહેલ છે.

(11:26 am IST)